Loading Please Wait !!!
સુરત AAP માં ટિકિટનું ‘સેલ’: પૂર્વ પ્રમુખના ભાઈ પાસે ટિકિટ માટે રૂ. 18 લાખ મગાયા, પ્રભારી ઓમ પ્રકાશ સામે છેતરપિંડીની ફરિયાદ

 

  • ચૂંટણી પહેલા ‘ટિકિટ ફોર કેશ’ કૌભાંડનો પર્દાફાશ- 8 લાખમાં સોદો થયો પણ મેન્ડેટમાં ખેલ ખેલાતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

  •  નવનીત નાવડીયાનો વીડિયો બોમ્બ- "કોર્પોરેટર બન્યા બાદ 6 મહિનામાં રકમ કમાઈ લેશો" તેવી લાલચ આપી નાણાં પડાવ્યા

  •  ઓમ પ્રકાશ અને આકાશ મિશ્રા ભૂગર્ભમાં- વોટ્સએપ કોલિંગથી ટોર્ચર અને નાણાંની ઉઘરાણીના પુરાવા પોલીસને સોંપાયા

    સુરત: સુરત મહાનગરપાલિકાની વર્ષ 2026 ની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી (AAP) ના આંતરિક વહીવટમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. પક્ષના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર નાવડીયાના પિતરાઈ ભાઈ નવનીત નાવડીયાએ તેમની પત્ની લિપ્સાને વોર્ડ નં. 1-2 માં ટિકિટ અપાવવાના બહાને પ્રભારી ઓમ પ્રકાશ અને આકાશ મિશ્રાએ રૂ. 18 લાખની માંગણી કરી હોવાની ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ કથિત સોદાબાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

    નવનીત નાવડીયાના આક્ષેપ મુજબ, કતારગામની મુલાકાત દરમિયાન ઓમ પ્રકાશે લાલચ આપી હતી કે, "આ વખતે વોર્ડ જીતી જવાય તેમ છે, ટિકિટ માટે 18 લાખ આપો, જે તમે કોર્પોરેટર બન્યા બાદ 6 મહિનામાં કમાઈ લેશો." લાંબી રકઝક બાદ સોદો 8 લાખમાં નક્કી થયો હતો. જે અંતર્ગત 25 માર્ચ, 2026 ના રોજ કિરણચોક પાસે 2.50 લાખ રોકડા અને ત્યારબાદ અન્ય રકમ મળી કુલ 3 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. નાણાં લીધા બાદ પણ આરોપીઓ વધુ રકમ માટે વોટ્સએપ કોલ દ્વારા માનસિક ટોર્ચર કરતા હોવાનો ફરિયાદીએ દાવો કર્યો છે.

    આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પક્ષની સત્તાવાર યાદીમાં નામ ન આવતા નવનીતભાઈએ નેતા ધર્મેશ ભંડેરીનો સંપર્ક કર્યો હતો. તેમને ખાતરી આપી રાત્રે મોડેથી ફોર્મ ભરાવ્યું હતું અને અંકુર હિરપરાએ મેન્ડેટ તૈયાર કર્યું હતું. જોકે, ફોર્મ ચકાસણી દરમિયાન આ મેન્ડેટ ખોટું હોવાનું બહાર આવ્યું હતું અને અન્ય ઉમેદવારનું મેન્ડેટ મંજૂર કરી દેવામાં આવ્યું હતું. આથી પોતાની સાથે પદ્ધતિસરની છેતરપિંડી થઈ હોવાનું સમજાતા નવનીતભાઈએ પોલીસનો આશરો લીધો હતો.

    આ સમગ્ર કૌભાંડમાં રજૂ કરવામાં આવેલા વીડિયો ફૂટેજ અને કોલ રેકોર્ડિંગમાં આરોપીઓ સ્પષ્ટપણે નાણાંની લેવડદેવડ કરતા અને સોદાબાજી કરતા દેખાઈ રહ્યા છે. ફરિયાદ નોંધાતા જ આરોપીઓ હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમના મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યા છે. સરથાણા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને કોલ રેકોર્ડ્સના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

    ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે AAP ના પાયાના કાર્યકરો અને નેતાઓ વચ્ચે થયેલી આ સોદાબાજીએ પક્ષ માટે મુશ્કેલી ઉભી કરી છે. વિરોધ પક્ષોએ પણ આ મુદ્દે ‘આપ’ ને ઘેરવાની શરૂઆત કરી છે. પોલીસ કમિશનરને કરવામાં આવેલી રજૂઆતમાં ફરિયાદીએ આરોપીઓ સામે કડક પગલાં લેવાની અને પડાવેલા નાણાં પરત અપાવવાની માંગ કરી છે. આગામી દિવસોમાં આ મામલે પક્ષ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું મહત્વનું રહેશે.