Loading Please Wait !!!
PM મોદી ગુજરાતના મહેમાન: સોમનાથ અને વડોદરામાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન

  • બંગાળ વિજય બાદ પ્રથમવાર આગમન; 150 કરોડના સરદાર ધામ-3નું કરશે લોકાર્પણ
  • સરદાર ધામ-3ના ઉદ્ઘાટન સાથે પાટીદાર સમાજ દ્વારા 'સરદાર ગૌરવ પુરસ્કાર' અપાશે.
  • જામનગરમાં રાત્રિ રોકાણ બાદ સોમનાથ અને વડોદરામાં લોકાર્પણના કાર્યક્રમો યોજાશે.

સિટી ન્યૂઝ @ વડોદરા: આગામી 11 Mayના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર પોતાના વતન આવી રહ્યા હોવાથી ભાજપ સંગઠન અને તંત્ર દ્વારા સ્વાગતની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ગીર સોમનાથમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણીમાં સહભાગી થશે અને ત્યારબાદ વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા નિર્મિત ભવ્ય 'સરદાર ધામ-3' સંકુલનું લોકાર્પણ કરશે.

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, વડાપ્રધાન 10 Mayની રાત્રે જામનગર એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ 11 Mayની સવારે તેઓ સોમનાથ જવા રવાના થશે. સોમનાથમાં ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવતા સ્વાભિમાન પર્વમાં હાજરી આપ્યા બાદ તેઓ સીધા સંસ્કારી નગરી વડોદરા પહોંચશે. વડોદરામાં તેઓ એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી રોડ શો યોજીને લોકોનું અભિવાદન ઝીલે તેવી પ્રબળ શક્યતાઓ જોતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને રૂટ મેનેજમેન્ટની કામગીરી હાથ ધરાઈ છે.

વડોદરામાં આશરે 150 કરોડના ખર્ચે તૈયાર થયેલું 'સરદાર ધામ-3' આકર્ષણનું કેન્દ્ર બનશે. 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આ અત્યાધુનિક ભવન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે બનાવવામાં આવ્યું છે. જેમાં 2000 જેટલા દીકરા-દીકરીઓ માટે હોસ્ટેલ, લાઈબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ દીકરીઓ માટે માત્ર 1 રૂપિયો ફી રાખવાનો નિર્ણય સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ તકે પાટીદાર સમાજ દ્વારા પીએમને 'સરદાર ગૌરવ પુરસ્કાર' એનાયત કરવામાં આવશે.

વડાપ્રધાનના આ પ્રવાસને સફળ બનાવવા માટે ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સુરક્ષા, ટ્રાફિક અને જનમેદનીના વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ, ગીર સોમનાથના કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. બંગાળ અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત બાદ મોદીનો આ પ્રથમ જાહેર કાર્યક્રમ હોવાથી 30 થી 40 હજાર લોકો ઉમટી પડે તેવી સંભાવના છે.

સમગ્ર પ્રવાસને લઈ ગુજરાત ભાજપમાં ભારે ઉત્સાહ છે. વડોદરામાં સરદાર ધામ-3 ના લોકાર્પણ પ્રસંગે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પીએમ મોદીનું વિશેષ સન્માન કરશે. હોટલને ટક્કર મારે તેવી સુવિધાઓ ધરાવતું આ સંકુલ 'સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ'ના ધ્યેયને સાર્થક કરશે. પીએમના આ પ્રવાસથી આગામી સમયમાં રાજ્યના રાજકીય અને સામાજિક સમીકરણો પર પણ મોટી અસર જોવા મળી શકે છે. હાલમાં એસપીજી અને સ્થાનિક પોલીસ દ્વારા તમામ કાર્યક્રમ સ્થળોએ સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.