જૂનાગઢ ભાજપમાં ‘પરિવારવાદ’નો વિસ્ફોટ: સાવજ ડેરીના ચેરમેને પુત્રવધૂને જીતાડવા વેવાઈનું ફોર્મ રદ કરાવ્યું!
-
માણાવદર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુ બોરખતરીયાએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખી દિનેશ ખટારીયા સામે આક્ષેપો કર્યા છે.
-
આક્ષેપ છે કે કણજા બેઠક પર દિનેશ ખટારીયાએ પોતાના વેવાઈ ભીમાભાઈનું ફોર્મ જાણીજોઈને ટેકનિકલ કારણોસર રદ કરાવી દીધું.
-
વેવાઈનું ફોર્મ રદ થતા ડમી ઉમેદવાર તરીકે કિરણબેન ડાંગર (દિનેશભાઈની પુત્રવધૂ) હવે ભાજપના સત્તાવાર ઉમેદવાર બની ગયા છે.
જૂનાગઢ જિલ્લામાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ ભાજપમાં ભયંકર આંતરિક વિખવાદ અને 'પરિવારવાદ'ના કિસ્સાએ જોર પકડ્યું છે. માણાવદર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુ બોરખતરીયાએ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા સામે ગંભીર આરોપો લગાવી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખતા રાજકીય માહોલ ગરમાયો છે. આક્ષેપ એવો છે કે દિનેશ ખટારીયાએ સત્તાના જોરે પક્ષના નીતિ-નિયમોને બાજુ પર મૂકીને પોતાની પુત્રવધૂને ઉમેદવાર બનાવી દીધી છે.
ઘટનાની વિગતો મુજબ, જૂનાગઢ જિલ્લા પંચાયતની 13-કણજા બેઠક પર ભાજપના મુખ્ય ઉમેદવાર તરીકે ભીમાભાઈ ડાંગર (દિનેશ ખટારીયાના વેવાઈ) ને મેન્ડેટ અપાયું હતું, જ્યારે કિરણબેન ડાંગર (દિનેશ ખટારીયાની પુત્રવધૂ) ને ડમી ઉમેદવાર તરીકે રાખવામાં આવ્યા હતા. જોકે, એક પૂર્વ આયોજિત ષડયંત્ર મુજબ ફોર્મ ચકાસણી વખતે મુખ્ય ઉમેદવાર ભીમાભાઈનું ફોર્મ ટેકનિકલ ખામીના નામે રદ કરાવાયું, જેથી ડમી ઉમેદવાર કિરણબેન આપોઆપ સત્તાવાર ઉમેદવાર બની ગયા. રાજુ બોરખતરીયાએ આને ભાજપના ઇતિહાસની શરમજનક ઘટના ગણાવી છે.
પૂર્વ મહામંત્રીએ પત્રમાં જણાવ્યું છે કે, તેઓ 1996 થી પક્ષમાં સક્રિય છે, પરંતુ આ પ્રકારના કાવતરાથી પાયાના કાર્યકરોનો વિશ્વાસ ડગી રહ્યો છે. તેમણે જિલ્લા સંગઠન સામે પણ સવાલ ઉઠાવ્યો છે કે તેમની મિલીભગત વગર આટલું મોટું ષડયંત્ર શક્ય જ નથી. પોતાની જ ફેમિલીમાં ટિકિટ રાખવાની આ જોહુકમી સામે હવે કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે. હાલમાં આ મુદ્દો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ આ મામલે શું પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
આરોપિત વ્યક્તિ આક્ષેપ પક્ષનો નિયમ દિનેશ ખટારીયા (ચેરમેન) વેવાઈનું ફોર્મ રદ કરાવી પુત્રવધૂને સત્તાવાર ઉમેદવાર બનાવી ૩ ટર્મ લડેલા કે તેમના વંશજોને ટિકિટ ન આપવી જિલ્લા ભાજપ સંગઠન કાવતરામાં મિલીભગત અને નિયમોના ભંગમાં સાથ આપવો પક્ષની શિસ્ત અને નિષ્ઠાવાન કાર્યકરની સુરક્ષા