Loading Please Wait !!!
ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ રોકાણના નામે કરોડોની છેતરપિંડી!

  • સેન્ડલવુડ પ્રોજેક્ટમાં ભાગીદારી બહાને આચરવામાં આવ્યો ખેલ!
  • અશ્વમેઘ બિલ્ડર અને નિવૃત્ત મામલતદારના પુત્રો સામે ગુનો!
  • અમદાવાદના બિલ્ડર નિશીથ શાહ સાથે મોટું ઠગાઈ!

સિટી ન્યુઝ @ ગાંધીનગર 

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ 'સેન્ડલવુડ' રેસિડેન્શિયલ ફ્લેટ પ્રોજેક્ટમાં રોકાણ કરવાના બહાને અશ્વમેઘ ઇન્ફ્રાકોન કંપનીમાં ભાગીદારી અપાવવાના નામે અમદાવાદના એક બિલ્ડર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

અમદાવાદના બોડકદેવમાં રહેતા અને એનબી (NB) ગ્રુપના બિલ્ડર નિશીથ બાબુલાલ શાહ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૩ દરમિયાન અશ્વમેઘ બિલ્ડર બાબુભાઈ પટેલના બે પુત્રો શૈલેષ અને પરેશે રાંદેસણ ખાતે સેન્ડલવુડ સ્કીમમાં ૨૦ ટકા ભાગીદારીનું પ્રલોભન આપીને બેંક ટ્રાન્જેક્શન અને રોકડ સ્વરૂપે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું.

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ ઠગ ટોળકીએ નિશીથભાઈ સાથે નોટરી કરાર કરવા અગાઉ જ એટલે કે ૩૦ જૂન ૨૦૨૩ના રોજ જ કંપનીનો ૪૨ ટકા હિસ્સો અન્ય વ્યક્તિને વેચી દીધો હતો, અને તેમ છતાં બોગસ પાર્ટનરશીપ કરાર ઊભો કરીને મોટી રકમ પડાવી લીધી હતી.

આ મામલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં શૈલેષ બાબુભાઈ પટેલ, પરેશ બાબુભાઈ પટેલ, ક્રુણાલ વિરમભાઈ દેસાઈ, અર્પણ વિરમભાઈ દેસાઈ અને રિતેશ રસિકભાઈ પટેલ સહિત પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંના કેટલાક આરોપીઓ એસીબીના ઈતિહાસમાં કુખ્યાત બનેલા નિવૃત્ત મામલતદાર વિરમ દેસાઈના પુત્રો છે.

અગાઉ વિરમ દેસાઈ સામે અપ્રમાણસર બેનામી સંપત્તિ અને મોંઘી ગાડીઓનો મોટો કેસ સામે આવ્યો હતો, અને હવે તેમના પુત્રો તેમજ બિલ્ડરના પુત્રો દ્વારા આ પ્રકારે આચરવામાં આવેલા લાખો-કરોડોના કૌભાંડથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

રિયલ એસ્ટેટ રોકાણમાં કાનૂની સાવચેતીઓ અને સુરક્ષા

જ્યારે પણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ કે ભાગીદારીમાં રોકાણ કરવામાં આવે, ત્યારે માત્ર પરંપરાગત ભરોસા કે નોટરી કરારો પર નિર્ભર રહેવાને બદલે સત્તાવાર રેરા (RERA) પોર્ટલ, કંપનીના શેર હોલ્ડિંગ રજિસ્ટર અને કાનૂની દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી કરવી અત્યંત અનિવાર્ય છે. સક્ષમ વકીલો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સલાહ વગર મોટા નાણાકીય વ્યવહારો કરવાથી આ પ્રકારની ઠગાઈ અને નાણાકીય નુકસાનનો ભય હંમેશાં બનેલો રહેતો હોય છે.