કુવૈત-બહેરીન પર ઈરાનનો મિસાઈલ મારો, અમેરિકાનો વળતો પ્રહાર
- મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામ વચ્ચે તણાવ ચરમસીમાએ, યુએસ સેન્ટકોમે કિલર બેલિસ્ટિક મિસાઈલો હવામાં જ તોડી પાડી
- અમેરિકાએ આત્મરક્ષામાં લીધું આકરૂં લશ્કરી પગલું, રડાર સ્ટેશનો અને ડ્રોન કંટ્રોલ સાઇટ્સ જમીનદોસ્ત
- કુવૈત અને બહેરીન તરફ છોડાયેલી પાંચ મિસાઈલો લક્ષ્ય સુધી પહોંચે તે પહેલાં જ નષ્ટ કરાઈ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
મધ્ય-પૂર્વ (Middle East) ના દેશોમાં આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ સત્તાવાર રીતે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હોવા છતાં જમીની સ્તરે સૈન્ય તણાવ અને લોહિયાળ આક્રમકતા સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સુપરપાવર અમેરિકન સેનાએ આજે સત્તાવાર હાઈપ્રોફાઈલ જાહેરાત કરીને જણાવ્યું છે કે, કટ્ટર હરીફ ઈરાન દ્વારા તેના પાડોશી દેશો પર કરવામાં આવેલા ભયાનક મિસાઈલ અને આત્મઘાતી ડ્રોન હુમલાને અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી દીધા છે. આ સાથે જ અમેરિકાએ અત્યંત આક્રમક વલણ અપનાવીને પોતાની આત્મરક્ષા હેઠળ મોટું ઓપરેશન હાથ ધરીને ઈરાનના વ્યૂહાત્મક કેશ્મ દ્વીપ પર ભયાનક વળતો પ્રહાર કરીને તેના અસંખ્ય લશ્કરી મથકો તોડી પાડ્યા છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના સત્તાવાર મિલિટરી નિવેદન અનુસાર, ઈરાને પ્રાદેશિક પાડોશી દેશો તરફ ઘણી ઘાતક બેલિસ્ટિક મિસાઈલો એકસાથે દાગી હતી, પરંતુ અમેરિકન ડિફેન્સ સિસ્ટમના કારણે તે તમામ પોતાના નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવામાં સરેઆમ નિષ્ફળ રહી છે. કુવૈત પર છોડવામાં આવેલી 2 બેલિસ્ટિક મિસાઈલો કાં તો તેના મૂળ લક્ષ્યથી ભટકી ગઈ હતી અથવા ટેકનિકલ ખામીને લીધે હવામાં જ ધડાકાભેર તૂટી પડી હતી. જ્યારે બીજી તરફ, બહેરીન દેશના સિવિલિયન વિસ્તારો તરફ કાળઝાળ ગતિએ આવી રહેલી 3 મિસાઈલોને અમેરિકન અને બહેરીનની સંયુક્ત હાઈટેક એર ડિફેન્સ સિસ્ટમે તાત્કાલિક લોકેશન ટ્રેક કરીને હવામાં જ પત્તાની જેમ તોડી પાડી હતી, જેના લીધે આ મોટા હુમલાઓમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
આ કાયરતાપૂર્ણ હુમલાના જવાબી લશ્કરી એક્શન તરીકે અમેરિકન એરફોર્સે ઈરાનના કેશ્મ દ્વીપ અને ગોરુક વિસ્તારમાં આવેલા સૈન્ય ઠેકાણાઓ પર રેકોર્ડબ્રેક મિસાઈલ મારો કર્યો છે. વ્હાઇટ હાઉસના આદેશથી કરાયેલા આ ઓપરેશનમાં ખાસ કરીને ઈરાનના એડવાન્સ રડાર સ્ટેશનો, ડ્રોન કંટ્રોલ સાઇટ્સ અને આખા એર ડિફેન્સ નેટવર્કને બોમ્બ ફેંકીને સદંતર નષ્ટ કરવામાં આવ્યા છે. અમેરિકાનું કાનૂની દલીલ સાથે કહેવું છે કે, આ કાર્યવાહી માત્ર સ્વ-બચાવ હેઠળ કરાઈ છે, કારણ કે ઈરાને અગાઉ આંતરરાષ્ટ્રીય જળસીમામાં અમેરિકન ડ્રોનને ગેરકાનૂની રીતે તોડી પાડ્યું હતું અને તે આ વિસ્તારના વેપારી દરિયાઈ જહાજો માટે સતત મોટો આર્થિક અને સુરક્ષા ખતરો ઊભો કરી રહ્યું છે, જોકે ઈરાની સરકારી મીડિયાએ આ આકરા પ્રહારની ભારે નિંદા કરી છે.
અમેરિકાના પ્રચંડ પલટવાર બાદ તેહરાન અને ખાડી દેશોમાં સિક્યોરિટી એલર્ટ
ઈરાનના કેશ્મ દ્વીપ પર થયેલા નુકસાનના આંકડા છુપાવવા માટે ઈરાની સેનાએ સમગ્ર ઈન્ટરનેટ અને ડિજિટલ લિંક્સ બ્લોક કર્યા છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા સંગઠનોએ ચેતવણી આપી છે કે જો આ સૈન્ય યુદ્ધ નહીં અટકે તો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ સપ્લાય સરેઆમ ઠપ્પ થઈ જશે. યુએસ સેન્ટકોમે સરહદ પર પોતાની વધુ 2 નૌકાદળની સબમરીન તૈનાત કરીને સાથી દેશોને રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા આપવાની ખાતરી આપી છે.