સુરત પાલિકામાં નોકરીનો ક્રેઝ કે બેરોજગારીનો રાફડો? 2483 જગ્યાઓ માટે 2.25 લાખથી વધુ અરજીઓનો રેકોર્ડ
-
સુરત મહાનગરપાલિકામાં 8 વર્ષના લાંબા અંતરાલ બાદ વિવિધ કેડરની 2,483 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે.
-
અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 2.25 લાખ અરજીઓ ઓનલાઈન મળી ચૂકી છે, જેમાં સૌથી વધુ 1 લાખ અરજી માત્ર ક્લાર્કની પોસ્ટ માટે છે.
-
સોશિયલ મીડિયા પર સુરત પાલિકાના નામે ભ્રામક અને બનાવટી જાહેરાત ફેલાવનાર વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં કેસ દાખલ કરાયો છે.
દેશની સૌથી ધનાઢ્ય મહાનગરપાલિકા ગણાતી સુરત મનપામાં નોકરી મેળવવાનો ક્રેઝ અત્યારે ચરમસીમાએ છે. છેલ્લા આઠ વર્ષથી સ્ટાફની ઘટનો સામનો કરી રહેલા પાલિકા તંત્રએ વિવિધ કેડરની 2,483 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ જાહેરાત બાદ રાજ્યભરના બેરોજગાર યુવાનો તૂટી પડ્યા હોય તેમ, આજે રાત્રે અરજીનો સમય પૂર્ણ થાય તે પહેલા જ 2.25 લાખથી વધુ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. ખાસ કરીને છેલ્લા બે દિવસમાં જ 65 હજાર જેટલી અરજીઓનો ઉછાળો જોવા મળ્યો છે.
આ ભરતી પ્રક્રિયામાં સૌથી વધુ આકર્ષણ ત્રીજી શ્રેણીના ક્લાર્કની 717 જગ્યાઓ માટે છે, જેના માટે એક લાખથી વધુ ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત માર્શલ માટે 27 હજાર, સ્ટાફ નર્સ માટે 20 હજાર અને મેડિકલ ઓફિસરની 69 જગ્યાઓ માટે પણ મોટી સંખ્યામાં અરજીઓ આવી છે. ટેકનિકલ વિભાગમાં ડેપ્યુટી ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર જેવી ઉચ્ચ સ્તરની જગ્યાઓનો પણ સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં અરજીઓ આવતા શહેરમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આ માત્ર નોકરીનો ક્રેઝ છે કે ખાનગી ક્ષેત્રે વધતી જતી નોકરીની અનિશ્ચિતતા અને બેરોજગારીનું પરિણામ છે.
ભ્રામક જાહેરાત સામે સાયબર એક્શન મનપા તંત્રએ ઉમેદવારોને સાવચેત કરતા જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર સુરત પાલિકાના ખોટા લોગોનો ઉપયોગ કરી કેટલીક બનાવટી જાહેરાતો વાયરલ થઈ રહી છે. આ મામલે પાલિકાના મહેકમ વિભાગે સાયબર ક્રાઈમમાં ફ્રોડની ફરિયાદ નોંધાવી છે. ઉમેદવારોને માત્ર અધિકૃત વેબસાઈટ પરથી જ માહિતી મેળવવા અપીલ કરાઈ છે.
પ્રમાણપત્રો માટે લાંબી લાઈનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે જ આ ભરતી આવી હોવાથી ઉમેદવારોને વહીવટી પ્રક્રિયામાં હાલાકી પડી રહી છે. મામલતદાર અને નાયબ મામલતદાર સ્તરના અધિકારીઓ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાથી, ઓબીસી ઉમેદવારોને ક્રિમીલેયર પ્રમાણપત્ર મેળવવા માટે વહેલી સવારથી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. અનેક મુશ્કેલીઓ બાદ ઉમેદવારોએ જરૂરી પુરાવા એકઠા કરીને ઓનલાઈન અરજી પૂર્ણ કરી છે.
પોસ્ટનું નામ ખાલી જગ્યાઓ અંદાજિત અરજીઓ ત્રીજી શ્રેણી ક્લાર્ક 717 1,00,000+ ડ્રાઈવર 444 - માર્શલ (વોચ એન્ડ વોર્ડ) 323 27,000 સ્ટાફ નર્સ 150 20,000 મેડિકલ ઓફિસર 69 -