રાજકોટ-અમદાવાદ હાઈવે પર રેન્જ આઈજીની ટીમનો સપાટો, 1.28 કરોડનો દારૂ ઝડપાયો
- કપાસિયાની બોરીઓની આડમાં છુપાવેલી 10,740 બોટલો સાથે 1.45 કરોડનો મુદ્દામાલ જપ્ત
- SMC ની કાર્યવાહી બાદ રેન્જ પોલીસ એક્શન મોડમાં: ભાણવડ લઈ જવાતો જથ્થો દબોચાયો
- જાનીવડલા પાટિયા પાસે ટ્રકમાંથી મળી આવી 10 હજારથી વધુ બોટલો, ચાલકની ધરપકડ
રાજકોટ રેન્જ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની કડક સૂચના બાદ પોલીસ ટીમે મોડી રાત્રે એક મોટી સફળતા મેળવી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા નજીક જાનીવડલા ગામના પાટિયા પાસે વોચ ગોઠવીને પોલીસે 1.28 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ટ્રક, મોબાઈલ અને કપાસિયાની બોરીઓ સહિત કુલ 1.45 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
તાજેતરમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા રાજકોટના માખાવડમાં દારૂનો જથ્થો પકડાયા બાદ બેદરકાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટના બાદ રેન્જ આઈજીએ કાયદો અને વ્યવસ્થા જાળવવા ખાસ આદેશો આપ્યા હતા. જે અંતર્ગત પીઆઈ રોહન બારની ટીમને બાતમી મળી હતી કે એક ટ્રક (નંબર GJ.10.TT.6183) પરપ્રાંતમાંથી દારૂ ભરીને અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે હાઈવે પર જાળ બિછાવી હતી.
પોલીસે જ્યારે શંકાસ્પદ ટ્રકને અટકાવીને તપાસ કરી ત્યારે ઉપરના ભાગે કપાસિયાની બોરીઓ ભરેલી જોવા મળી હતી. જોકે, ઊંડાણપૂર્વક તપાસ કરતા બોરીઓની નીચે છુપાવેલો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 10,740 બોટલો કબજે કરી છે, જેની બજાર કિંમત 1,28,88,000 રૂપિયા અંકાય છે. પોલીસે ટ્રક ડ્રાઈવર સાહીદ જુસબભાઈ હિંગોરાની સ્થળ પરથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ દારૂનો મસમોટો જથ્થો ભાણવડના ચનાભાઈ દેવાભાઈ રબારી દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત, આ માલ ભરી આપનાર અને ટ્રક સોંપનાર અન્ય શખ્સોની સંડોવણી અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. ચૂંટણીના માહોલમાં આટલો મોટો જથ્થો ઘુસાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવી પોલીસે બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે.
હાલમાં આરોપી વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે દારૂ, ટાટા ટ્રક, રોકડ રકમ અને તાલપત્રી સહિત કુલ 1,45,56,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રેન્જ આઈજીના આદેશથી હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સૂત્રધારોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.