મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં ભીષણ આગ: આકાશમાં 1 કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા!
- ગેઇટ નંબર-1 પાસે આવેલી EPP કંપની સામેનું ગોડાઉન ભડભડ સળગ્યું - રાજકોટ અને મેટોડા ફાયર બ્રિગેડનું મેજર ઓપરેશન
- બપોરના સમયે અચાનક ફાટી નીકળી આગ - શોર્ટ સર્કિટની આશંકા વચ્ચે લાખોનું નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી
- દોઢ કલાકથી પાણીનો સતત મારો ચાલુ - સમયસૂચકતા વાપરી શ્રમિકો બહાર નીકળી જતાં મોટી હોનારત ટળી
રાજકોટના ઔદ્યોગિક હબ ગણાતા મેટોડા GIDC વિસ્તારમાં આજે બપોરે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગેઇટ નંબર-1 પાસે આવેલી EPP કંપનીની સામેના એક રબરના વેસ્ટ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. રબરનો મોટો જથ્થો હોવાને કારણે આગે મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના ધુમાડાના ગોટેગોટા 1 કિલોમીટર દૂર કાલાવડ રોડ હાઇવે પરથી સ્પષ્ટ જોઈ શકાતા હતા.
ઘટનાની જાણ થતા જ મેટોડા ફાયર સ્ટેશનની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આગની ગંભીરતા અને રબરના જથ્થાને જોતા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગની વધારાની 4 ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. કુલ 5 ફાયર ફાઈટરોની મદદથી સતત એક કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સૌથી રાહતની વાત એ છે કે, જે સમયે આગ લાગી ત્યારે ગોડાઉનમાં કામ કરી રહેલા શ્રમિકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક બહાર દોડી ગયા હતા, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે, આ રબરનું વેસ્ટ ગોડાઉન હોવાથી તેમાં પડેલો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે, પરંતુ આગ સંપૂર્ણપણે બુઝાયા બાદ જ સાચું કારણ જાણી શકાશે.
આગને કારણે આસપાસના અન્ય કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, રબરના કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને તેને સંપૂર્ણપણે ઠારતા હજુ પણ એકાદ કલાક જેટલો સમય લાગી શકે છે. રાજકોટના ઉદ્યોગ જગતમાં આ આગની ઘટનાને પગલે સુરક્ષા અને ફાયર સેફ્ટીના સાધનો અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે.