Loading Please Wait !!!
દારૂની મહેફિલ અને મેદસ્વિતા પુરુષોને આપે છે બ્રેસ્ટ કેન્સર!

 

  • બ્રેસ્ટ કેન્સર માત્ર મહિલાઓને જ થાય તે ભ્રમણા ભાંગી!

  • સિવિલમાં 6 વર્ષમાં 104 પુરુષો બન્યા બ્રેસ્ટ કેન્સરનો શિકાર!

  • બગડેલી જીવનશૈલીનો પ્રતાપ: હવે પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ!

સિટી ન્યુઝ @ અમદાવાદ: સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સર માત્ર મહિલાઓનો જ રોગ મનાય છે, પરંતુ આ ભ્રમણા હવે ભાંગી રહી છે. પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સર દસ્તક દઈ શકે છે તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. સિવિલ મેડિસિટી ખાતે આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં છેલ્લા 6 વર્ષમાં પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરના 104 કેસ નોંધાયા છે, જે બગડતી જીવનશૈલી સામે લાલબત્તી સમાન છે.

તાજેતરમાં જ 45 વર્ષીય એક વેપારીની છાતીના ભાગમાં અચાનક પીડારહિત સખત ગાંઠ દેખાઈ હતી. પ્રાથમિક તબક્કે તેને સામાન્ય સોજો ગણીને નજરઅંદાજ કરાયા બાદ તબીબી તપાસ કરાવતા પ્રથમ તબક્કાના બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું. તબીબી વિજ્ઞાન મુજબ પુરુષોના શરીરમાં પણ બ્રેસ્ટ ટિશ્યુઝ હોવાથી કેન્સરના કોષો અનિયંત્રિત રીતે વધવાની સંભાવના રહે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર થવા પાછળ અતિશય દારૂનું સેવન અને મેદસ્વીપણું મુખ્યત્વે જવાબદાર છે. આલ્કોહોલને કારણે લિવર નબળું પડે છે, જેથી શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધી જાય છે. આ ઉપરાંત સ્થૂળતા, આનુવંશિક કારણો અને વધતી ઉંમરથી પણ બ્રેસ્ટ કેન્સરનું જોખમ અનેકગણું વધી જાય છે.

તબીબોના મતે પુરુષોમાં સ્તનના કોષો ઓછા પ્રમાણમાં હોવાથી કેન્સર શરીરના અન્ય ભાગમાં ઝડપથી ફેલાવવાની શક્યતા રહે છે. પીડારહિત સખત ગાંઠ, ત્વચામાં ફેરફાર અને રૂઝ નહીં આવતી ચાંદી જેવા લક્ષણોને અવગણવા જોખમી પુરવાર થઈ શકે છે. છાતીના ભાગમાં કોઈપણ અસામાન્ય ફેરફાર જણાય તો તાત્કાલિક કેન્સર નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.

ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા 6 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના કુલ 7920 કેસ નોંધાયા છે. આ કુલ કેસોમાં 53.18% દર્દીઓ 50 વર્ષથી વધુ વયના અને 30.52% દર્દીઓ 40 થી 50 વર્ષની વયજૂથના હોવાનું નોંધાયું છે.

સિવિલ હોસ્પિટલમાં 6 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના 7920 કેસ નોંધાયા

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટમાં છેલ્લા 6 વર્ષમાં બ્રેસ્ટ કેન્સરના કુલ 7920 દર્દીઓ નોંધાયા છે, જેમાં 104 પુરુષોનો પણ સમાવેશ થાય છે. કુલ દર્દીઓમાંથી 53.18% કેસ 50 વર્ષથી વધુ વયના અને 30.52% કેસ 40 થી 50 વર્ષની વયજૂથમાં જોવા મળ્યા છે. વધુ પડતા દારૂના સેવનથી લિવર નબળું પડતાં શરીરમાં એસ્ટ્રોજન વધે છે, જે પુરુષોમાં કેન્સરનું જોખમ વધારે છે.