Loading Please Wait !!!
કેનેડામાં ગુજરાતી યુવકનું મોત, મૃતદેહ માટે પરિવારની પ્રતીક્ષા!

 

  • વિદેશી તંત્રની તપાસમાં અટવાયો દશેલાના આશાસ્પદ યુવકનો મૃતદેહ!

  • અકસ્માતના 1 સપ્તાહ બાદ પણ પુત્રના અંતિમ દર્શન નહીં!

  • ઉજ્જવળ ભવિષ્યની શોધમાં ગયેલા યુવકને કાળ ભરખી ગયો!

સિટી ન્યુઝ @ ગાંધીનગર: દશેલા ગામના વતની અને છેલ્લા 5 વર્ષથી અભ્યાસ અર્થે કેનેડા ગયેલા આશાસ્પદ યુવકનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે. આ ગમખ્વાર અકસ્માતમાં હિરેન બાબુ આસોડિયા સહિત કુલ 4 લોકોના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. યુવાન પુત્રના અકાળે અવસાનના સમાચાર મળતાં જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી વિગતો મુજબ, દશેલા ગામનો હિરેન આસોડિયા છેલ્લા 5 વર્ષથી કેનેડામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો. દરમિયાન ગત 18 ઓક્ટોબરના રોજ કેનેડામાં સર્જાયેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં તેનું અને અન્ય 3 લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એકસાથે 4 લોકોના મોતની આ ઘટનાથી પરિવારજનો ભારે આઘાતમાં સરી પડ્યા છે.

આ દુર્ઘટનાને 1 સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી યુવાનનો મૃતદેહ ભારત લાવી શકાયો નથી. એક તરફ વહાલસોયા પુત્રને ગુમાવવાનું અસહ્ય દુઃખ છે, તો બીજી તરફ તેના અંતિમ દર્શન કરવા માટે પરિવારજનોને લાંબી રાહ જોવી પડી રહી છે, જેના કારણે તેમની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.

મૃતક હિરેનના પિતા બાબુ આસોડિયાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, કેનેડા સરકાર દ્વારા હાલમાં આ અકસ્માત અંગે સ્થાનિક સ્તરે તપાસ ચાલી રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ કાયદાકીય પ્રક્રિયાને કારણે પુત્રનો મૃતદેહ વતન ક્યારે પહોંચશે તે અંગે ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.

આ કપરા સમયમાં પિતા બાબુ આસોડિયાએ ભારત સરકારને લાગણીસભર વિનંતી કરી છે કે, કેન્દ્ર સરકાર આ મામલે કેનેડાના તંત્ર સાથે તાત્કાલિક વાતચીત કરે. તમામ જરૂરી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરાવીને પુત્રનો પાર્થિવ દેહ વતન લાવવામાં મદદ કરવામાં આવે, જેથી પરિવાર પોતાના પુત્રના અંતિમ દર્શન કરી તેની અંતિમવિધિ પૂર્ણ કરી શકે.

પુત્રના અંતિમ દર્શન માટે પરિવારની સરકારને આજીજી

દશેલા ગામનો હિરેન બાબુ આસોડિયા 5 વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતો હતો, જ્યાં 18 ઓક્ટોબરે માર્ગ અકસ્માતમાં તેનું અને અન્ય 3 લોકોનું મોત થયું હતું. ઘટનાને 1 અઠવાડિયું વીતવા છતાં કેનેડાની તપાસ પ્રક્રિયાને લીધે મૃતદેહ વતન પહોંચ્યો નથી. પિતા બાબુ આસોડિયાએ પુત્રના અંતિમ દર્શન અને અંતિમવિધિ માટે મૃતદેહ ઝડપથી ભારત લાવવા કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે.