કાગળ પરની સમીક્ષા છોડી દ્વારકા આવવા મંત્રીને ખેડૂતોનું આમંત્રણ!
-
ગામડાઓમાં 28 દિવસથી પાણી નથી, સરકાર હજુ સર્વેમાં વ્યસ્ત
-
સર્વેના નાટકો બંધ કરી તાકીદે દુષ્કાળ જાહેર કરવા માંગ
-
ઘાસચારા માટે માલધારીઓના 20 કિલોમીટર સુધીના લાંબા ધક્કા
સિટી ન્યુઝ @ દ્વારકા: ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. ત્યારે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ સંકેત આપ્યા છે કે, જો પરિસ્થિતિ વધુ વણસશે અને જરૂર જણાશે તો સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં દુષ્કાળ કે અર્ધદુષ્કાળ જાહેર કરશે. આ દરમિયાન પાકના નુકસાન અને વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા માટે સરકારી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દ્વારકા અને પોરબંદર સહિત જ્યાં ઓછો વરસાદ નોંધાયો છે, ત્યાં પાકની વર્તમાન સ્થિતિ અને ઉત્પાદન સંબંધિત વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. કુંવરજી બાવળિયાનું કહેવું છે કે સરકાર તમામ સ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂરિયાત મુજબ ઘાસચારો તથા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. કૃષિ વિભાગના સર્વે બાદ આંકડાના આધારે સરકાર આખરી નિર્ણય લેશે.
બીજી તરફ સરકાર હજુ દુષ્કાળ જાહેર કરવા વિચારણા કરી રહી છે, ત્યારે જમીની હકીકત જોતા ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. ખેડૂતોએ મંત્રીને કાગળ પરની સમીક્ષા છોડીને ગામડાઓમાં રૂબરૂ આવી વાસ્તવિક સ્થિતિ જોવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે અનેક ગામોમાં છેલ્લા 8 દિવસથી લઈને 28 દિવસ સુધી પીવાનું પાણી જ મળ્યું નથી.
પાણી અને ચારાની અછત વચ્ચે પોતાનું પશુધન બચાવવા માટે માલધારીઓ હિજરત કરવા મજબૂર બન્યા છે. સરકારી ઘાસચારા વિતરણ કેન્દ્રો માત્ર કાગળ પર જ ચાલતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નિયમ મુજબ 7 કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસ મળવું જોઈએ, તેના બદલે માલધારીઓએ 15 થી 20 કિલોમીટર દૂર સુધી લાંબા ધક્કા ખાવા પડી રહ્યા છે.
પાણી અને ઘાસચારા માટે વલખાં મારતા ખેડૂતો તેમજ માલધારીઓએ સરકાર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. ધરતીપુત્રોએ સ્પષ્ટ માંગ કરી છે કે સરકાર હવે સર્વેના નાટકો બંધ કરે અને તાકીદે નિયમ મુજબ અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને રાહતના લાભો આપવાનું શરૂ કરે.
પાણી અને ઘાસચારા વગર ગામડાઓમાં માલધારીઓની કફોડી હાલત
સરકાર એક તરફ પાક નુકસાનીના સર્વે બાદ દુષ્કાળ જાહેર કરવાની વાત કરે છે, ત્યારે ગામડાઓમાં છેલ્લા 8 થી 28 દિવસથી પીવાનું પાણી મળ્યું નથી. નિયમ મુજબ 7 કિલોમીટરમાં ઘાસચારો મળવો જોઈએ, પરંતુ માલધારીઓને 15 થી 20 કિલોમીટર દૂર ધક્કા ખાવા પડે છે. પશુધન બચાવવા હિજરત કરતા પશુપાલકોએ મંત્રી કુંવરજી બાવળિયાને ગામડામાં રૂબરૂ આવવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે.