સરકારી સુકાળના દાવા પોકળ, મગફળીનું ઉત્પાદન 20.5% ઘટ્યું
-
કાગળ પર મબલખ પાક, વાસ્તવમાં મગફળીના ઉતારામાં ધોવાણ
-
એસી ઓફિસના સરકારી આંકડા સામે ગ્રાઉન્ડ સર્વેની લપડાક
-
મગફળીના ઉત્પાદનમાં 8.58 લાખ ટનનો તોતિંગ ઘટાડો નોંધાયો
સિટી ન્યુઝ @ રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા ચોમાસા દરમિયાન વિપુલ ઉત્પાદન અને સુકાળની કાગળ પર દર્શાવાતી રાહત વચ્ચે દેશની અગ્રણી ઓઈલ ઈન્ડસ્ટ્રી સંસ્થા ધી સોલવન્ટ એક્સટ્રેક્શન એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) નો વાસ્તવિક ગ્રાઉન્ડ સર્વે કંઈક જુદું જ ચિત્ર રજૂ કરે છે. સંસ્થાના સૂત્રો મુજબ, વર્ષ 2026-27 માં રાજ્યમાં મગફળીનું કુલ ઉત્પાદન ઘટીને 33.30 લાખ મેટ્રિક ટન રહેવાનો અંદાજ છે. ગત વર્ષના 41.88 લાખ મેટ્રિક ટન ઉત્પાદનની સરખામણીએ આ વર્ષે 8.58 લાખ મેટ્રિક ટન એટલે કે લગભગ 20.5% નો તોતિંગ ઘટાડો નોંધાયો છે.
SEA સંસ્થા દ્વારા છેલ્લાં 16 વર્ષથી આ પ્રત્યક્ષ સર્વે કરવામાં આવે છે. સંસ્થા સાથે સંકળાયેલા પ્રવીણ આસોદરિયાએ જણાવ્યું હતું કે, આ રિપોર્ટ કોઈ એરકંડિશન ઓફિસમાં બેસીને તૈયાર કરાયેલા સરકારી કાગળો જેવો નથી. 20 અનુભવી સભ્યોની ટીમે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં સઘન ભ્રમણ કર્યું હતું. ટીમે ખેડૂતોના ખેતરોમાં જઈ વાવેતરની જાળી માપી હતી તેમજ 2000 થી વધુ પ્રગતિશીલ ખેડૂતો, તેલ મિલો અને માર્કેટિંગ યાર્ડની ચાલુ હરાજીઓમાંથી સીધા તારણો મેળવ્યા છે.
સર્વેના તારણ મુજબ, વરસાદ ખેંચાવાથી અને જમીનમાં ભેજ ન રહેવાથી મગફળીના દાણાનો યોગ્ય ભરાવ થયો નથી. ગત વર્ષે પ્રતિ 1 કિલો મગફળીમાંથી 750 ગ્રામ દાણા નીકળતા હતા, જે આ વર્ષે ઘટીને 700 ગ્રામથી પણ ઓછા રહી ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત વર્ષે વીઘા દીઠ 17 મણનો સરેરાશ ઉતારો હતો, જે ઘટીને આ વર્ષે માત્ર 3 મણ પ્રતિ વીઘે આવી ગયો છે, જ્યારે પોરબંદરમાં ઉતારો 20 મણથી ઘટીને માત્ર 7 મણ રહી ગયો છે.
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદમાં ભારે વિષમતા જોવા મળી હતી, જ્યાં એક જ જિલ્લાના ચોક્કસ તાલુકામાં સારો વરસાદ થયો હોય તો બાજુનો તાલુકો કોરોધાકોડ રહ્યો હતો. સિંચાઈ કે પિયતની સુવિધા ન ધરાવતા સામાન્ય ખેડૂતોના ખેતરોમાં મગફળીના છોડ સુકાઈ ગયા છે અથવા ઉતારો સાવ તળિયે બેસી ગયો છે.
આવી ગંભીર સ્થિતિ વચ્ચે વાસ્તવિકતા સ્વીકારીને અછત કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરવાને બદલે સરકાર આંખ આડા કાન કરી રહી હોવાનો આરોપ ઉઠ્યો છે. પાક નિષ્ફળ ગયો હોવા છતાં ખેડૂતોને સહાય અને દુષ્કાળ રાહતના લાભોથી વંચિત રાખવાની સરકારી નીતિ સામે ધરતીપુત્રોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સરકારી આંકડા સામે પ્રત્યક્ષ સર્વેમાં મગફળીના ઉત્પાદનમાં ગાબડું
SEA સંસ્થાની 20 સભ્યોની ટીમે 2000 થી વધુ ખેડૂતો અને યાર્ડની મુલાકાત લઈને તૈયાર કરેલા રિપોર્ટ મુજબ વર્ષ 2026-27 માં મગફળીનું ઉત્પાદન 20.5% ઘટીને 33.30 લાખ મેટ્રિક ટન રહેશે. દ્વારકામાં વીઘે ઉતારો 17 મણથી ઘટીને 3 મણ અને પોરબંદરમાં 20 મણથી ઘટીને 7 મણ થયો છે. વરસાદની અનિયમિતતાથી પાક સુકાઈ ગયો હોવા છતાં સરકાર દુષ્કાળ જાહેર કરવામાં આંખ આડા કાન કરી રહી છે.