જામનગર પોલીસમાં મોટું ફેરબદલ: SP રવિ મોહન સૈનીએ 8 PSI ની આંતરિક બદલીના કર્યા આદેશ!
- નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ એક્શન મોડમાં પોલીસ તંત્ર - સિટી એ, બી અને સી ડિવિઝનમાં નવા અધિકારીઓની નિમણૂક
- બુડાસણાને સિટી-એ અને મોરસાણીયાને સિટી-બી ડિવિઝનની જવાબદારી - ટ્રાફિક શાખામાં પણ ફેરફાર
- કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા એસપીનો માસ્ટર પ્લાન - એરપોર્ટ સિક્યુરિટી અને રીડર શાખામાં નવા ચહેરા
જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ મોટું પગલું ભર્યું છે. તાજેતરમાં જ રાજકોટ રેન્જના આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લીધી હતી, જે બાદ ગણતરીના કલાકોમાં જ 8 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની આંતરિક બદલીના આદેશો કરવામાં આવ્યા છે.
વ્યૂહાત્મક બદલીઓ આ બદલીઓમાં સૌથી મહત્વનું નામ ટી.બી. બુડાસણાનું છે, જેમને રીડર-ટુ-અધિક્ષક જેવી વહીવટી શાખામાંથી ખસેડીને સિટી-એ ડિવિઝન જેવા મહત્વના પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે. એ જ રીતે, એરપોર્ટ સિક્યુરિટીમાં ફરજ બજાવતા જે.બી. મોરસાણીયાને હવે સિટી-બી ડિવિઝનની જવાબદારી સોંપાઈ છે. ટ્રાફિક અને ફિલ્ડ ડ્યુટીમાં પણ પરિવર્તન કરીને પોલીસિંગને વધુ ગતિશીલ બનાવવાનો પ્રયાસ કરાયો છે.
ત્રણ અધિકારીઓ 'લીવ રિઝર્વ' માં આ ફેરબદલમાં એસ.એમ. સિસોદીયા, એચ.ટી. મઠિયા અને એમ.વી. મોઢવાડિયા એમ ત્રણ પીએસઆઈને લીવ રિઝર્વ શાખામાં મુકવામાં આવ્યા છે. પોલીસ વિભાગમાં આ પ્રકારની સાગમટે બદલીઓથી અન્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ ભારે ચર્ચા જાગી છે. આગામી સમયમાં જામનગર શહેરમાં ગુનાખોરી ડામવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આ નવા ફેરફારો કેટલા અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.