Loading Please Wait !!!
સુરતમાં શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ: 6ઠ્ઠા માળેથી નીચે પ્રસરી, 17 દુકાનો ખાખ

 

  • મધ્યરાત્રિએ 12 વાગ્યે લાગેલી આગ 10 કલાક બાદ પણ વારંવાર ભભૂકી, હાઇડ્રોલિક ક્રેનથી પાણીનો મારો

  • સિન્થેટિક અને પેટ્રોકેમિકલ મટીરિયલ ફ્યુઅલ બનતાં હીટ ટ્રાન્સફરથી એક પછી એક દુકાનો ઝપેટમાં આવી

  • 25 ફાયર ટેન્ડર અને ટર્ન ટેબલ લેડરની મદદ લેવાઈ, 2500 ચોરસ ફૂટના બે વિશાળ ગોડાઉન બળીને ખાખ

સિટી ન્યુઝ @ સુરત

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી જાણીતી શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં મંગળવારે મધ્યરાત્રિએ વિકરાળ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટના છઠ્ઠા માળેથી શરૂ થયેલી આગ ક્ષણભરમાં નીચે પાંચમા અને ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ફાયર વિભાગે તાત્કાલિક સમગ્ર શહેરમાં 'બ્રિગેડ કોલ' જાહેર કર્યો હતો. આગ ઓલવવાના પ્રયાસો દરમિયાન ધુમાડા અને ગૂંગળામણના કારણે એક ફાયરકર્મીની તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ડિવિઝનલ ફાયર ઑફિસર અને ચીફ ફાયર ઑફિસરે વિગતો આપતાં જણાવ્યું હતું કે, છઠ્ઠા માળે માળિયામાં સંગ્રહિત સાડીઓ અને સિન્થેટિક કાપડ પેટ્રોકેમિકલ્સ પ્રકારનું હોવાથી તે આગ માટે બળતણ (ફ્યુઅલ) સાબિત થયું હતું. જેના લીધે અતિશય હીટ, કાળો ડિબાંગ ધુમાડો અને ચેઇન રિએક્શન થતાં એક દુકાનમાંથી બીજી દુકાનમાં આગ ફેલાતી રહી. માર્કેટના કોમન પેસેજમાં ગેરકાયદેસર રીતે મુકાયેલા કાપડના પાર્સલોએ આગ પકડી લેતાં ફાયર ટીમો માટે અંદર પ્રવેશવું અત્યંત જોખમી બન્યું હતું. રાત્રિના સમયે વિઝિબિલિટી શૂન્ય થઈ જતાં જવાનોએ બ્રીથિંગ એપેરેટસ સેટ, ટર્ન ટેબલ લેડર અને હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બહારથી સતત પાણીનો મારો ચલાવવો પડ્યો હતો.

આ ભીષણ દુર્ઘટનામાં અંદાજે 15 થી 17 જેટલી દુકાનો તેમજ 2,500 થી 2,700 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા બે મોટા ગોડાઉનમાં રહેલો સાડીઓ અને તૈયાર વસ્ત્રોનો મોટો જથ્થો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો છે. આગની જ્વાળાઓ અને બચાવ કામગીરીમાં છંટાયેલા પાણીના કારણે અન્ય સેંકડો પાર્સલ પલળી જતાં વેપારીઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દિવાળી અને આગામી લગ્નસરાની સિઝન પૂર્વે જ માલસામાન રાખ થઈ જતાં વેપારીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. રાત્રે નિયમ મુજબ પાવર કટ હોવા છતાં આગ કયા કારણોસર લાગી તે રહસ્ય અકબંધ છે.

ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને મેયર સહિતના પદાધિકારીઓ દોડી આવ્યા હતા. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે બિલ્ડિંગ પાસે ફાયર NOC હોવા છતાં વેન્ટિલેશન અને પેસેજ બ્લોકેજ જેવી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે. વેપારીઓ અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખી હાલ સમગ્ર માર્કેટ બિલ્ડિંગને સદંતર બંધ કરી દેવાનો આદેશ અપાયો છે. સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ ઓડિટ, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ઓડિટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ પુનઃ સ્થાપિત થયા બાદ જ માર્કેટ ફરી શરૂ કરવાની મંજૂરી અપાશે.

સુરતના શ્યામ સંગીની માર્કેટમાં ભીષણ આગ

સુરતના સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટના ટોપ ફ્લોર પર મધરાતે લાગેલી આગ નીચેના માળ સુધી પ્રસરતાં 17 થી વધુ દુકાનો અને બે ગોડાઉન બળીને ખાખ થઈ ગયા છે. 150 ફાયરકર્મીઓએ 25 ગાડીઓ સાથે 10 કલાકની જહેમત બાદ સ્થિતિ કાબૂમાં લીધી હતી, જેમાં 1 ફાયરકર્મી ઇજાગ્રસ્ત થયો હતો. પેસેજમાં માલના ખડકલાને લીધે બચાવ કામગીરી અવરોધાઈ હતી. સુરક્ષાના ભાગરૂપે ઓડિટ પૂર્ણ ન થાય ત્યાં સુધી સમગ્ર માર્કેટ સીલ કરવામાં આવ્યું છે.