Loading Please Wait !!!
સુરતના ટેક્સટાઈલ હબમાં અગ્નિકાંડ: પુણાના અર્જુન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સાડીનું ગોડાઉન ભડકે બળ્યું!

  • ચોથા માળે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું - કરોડોની સાડીઓ બળીને ખાખ, વેપારીઓમાં ફફડાટ
  • ધુમાડાના ગોટેગોટાથી આખું આકાશ કાળું પડ્યું - સીઝનનો સ્ટોર હોવાથી કરોડોનું નુકસાન થવાની ભીતિ
  • સાડીના જથ્થામાં કેમિકલ મટીરિયલ હોવાથી આગ રોકેટની જેમ પ્રસરી - સદનસીબે જાનહાનિ ટળી

ગુજરાતના ટેક્સટાઈલ સિટી સુરતમાં ફરી એકવાર આગની ભયાનક ઘટના સામે આવી છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીક અર્જુન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક સાડીના ગોડાઉનમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ગોડાઉનમાં રાખેલો કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે, જેના કારણે વેપારી આલમમાં શોકની લાગણી પ્રસરી છે.

ચોથા માળેથી નીકળ્યા ધુમાડાના ગોટેગોટા મળતી માહિતી મુજબ, અર્જુન પાર્ક સોસાયટીની એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગના ચોથા માળે સાડીનું મોટું ગોડાઉન આવેલું છે. આજે બપોરના સમયે અચાનક આ ગોડાઉનમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતા જોતા આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સાડીઓમાં વપરાતું કેમિકલયુક્ત મટીરિયલ અને કાપડ હોવાને કારણે આગે મિનિટોમાં જ આખા ચોથા માળને પોતાની લપેટમાં લઈ લીધો હતો.

ફાયર વિભાગની 10 ગાડીઓ દ્વારા વોટર કેનનનો મારો આગની ગંભીરતાને જોતા સુરત ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક અસરથી પુણા, વરાછા અને કાપોદ્રા સહિતના 5 અલગ-અલગ ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ ચારેય દિશામાંથી પાણીનો મારો ચલાવી આગને ત્રીજા કે પાંચમા માળ સુધી પહોંચતા અટકાવી હતી. અંદાજે એક કલાકની સખત જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો.

કરોડોનું આર્થિક નુકસાન, જાનહાનિ ટળી વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યારે સાડીઓની સીઝન હોવાને કારણે ગોડાઉનમાં લાખો નંગ સાડીઓનો સ્ટોક રાખવામાં આવ્યો હતો. આ ભીષણ આગમાં તમામ જથ્થો બળીને રાખ થઈ ગયો છે, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. સદનસીબે જ્યારે આગ લાગી ત્યારે ગોડાઉન બંધ હોવાથી કોઈ શ્રમિક કે વ્યક્તિ અંદર હાજર ન હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે.

શોર્ટ સર્કિટની આશંકા પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય રહ્યું છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યારબાદ જ આગના સચોટ કારણો અને નુકસાનીનો ચોક્કસ આંકડો જાણી શકાશે. ટેક્સટાઈલ માર્કેટોમાં વારંવાર બનતી આગની આવી ઘટનાઓ સુરક્ષા અને વાયરિંગની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઉભા કરી રહી છે.