રાજકોટમાં મધરાતે દહેશત: નાના મવા રોડ પરની મારવાડી બિલ્ડિંગમાં ભીષણ આગ, જ્વાળા 4 માળ ઊંચે પહોંચી!
- ઈલેક્ટ્રિક ડક્ટમાં શોર્ટ સર્કિટથી મચી અફરાતફરી - 5 ફાયર ફાઈટરની ટીમે પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી
- પાંચમા માળે ફસાયેલા લોકોને સિક્યુરિટીએ સમયસૂચકતા વાપરી બહાર કાઢ્યા - બિલ્ડિંગના કાચ તૂટતા જોખમ વધ્યું
- ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતનો કાફલો ઘટનાસ્થળે - સ્પ્રિંક્લર સિસ્ટમ શરૂ થતા મોંઘીદાટ કારો બચી ગઈ.
શહેરના નાના મવા રોડ પર આવેલી જાણીતી મારવાડી બ્રોકિંગ હાઉસની બિલ્ડિંગમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગવાની ચોંકાવનારી ઘટના બની હતી. રાત્રે 10:15 વાગ્યાના સુમારે બિલ્ડિંગના ઈલેક્ટ્રિક ડક્ટમાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની હતી અને તેની જ્વાળાઓ ચોથા-પાંચમા માળ સુધી દેખાવા લાગતા આસપાસના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
શોર્ટ સર્કિટ અને પવનના વેગે આગ પ્રસરી પ્રાથમિક તપાસ મુજબ, બિલ્ડિંગની ડાબી બાજુએ બહારની તરફ આવેલી ઈલેક્ટ્રિક ડક્ટમાં બેઝમેન્ટ અને પ્રથમ માળની વચ્ચે શોર્ટ સર્કિટ થયું હતું. પવનના કારણે આગ વાયરિંગ વાટે રોકેટની ગતિએ પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. સદનસીબે, આગ માત્ર ડક્ટ પૂરતી સીમિત રહી હતી અને ઓફિસના ફર્નિચર સુધી ન પહોંચતા મોટું નુકસાન અટક્યું હતું. ઉપરાંત, બેઝમેન્ટમાં સ્પ્રિંક્લર સિસ્ટમ સક્રિય થઈ જવાથી ત્યાં પાર્ક કરેલી મોંઘીદાટ કારો પણ સુરક્ષિત બચી ગઈ હતી.
પાંચમા માળે ફસાયેલા લોકોનો આબાદ બચાવ આગ લાગી ત્યારે પાંચમા માળે કેટલીક ઓફિસોમાં લોકો હાજર હતા. પાછળના ભાગે રહેતા મયૂરભાઈ નામના યુવાને ધુમાડો જોતા જ સિક્યુરિટીને એલર્ટ કર્યા હતા. સિક્યુરિટીમેને તાત્કાલિક એલર્ટ બટન દબાવી પાંચમા માળે રહેલા લોકોને બિલ્ડિંગના પાછળના ભાગેથી સુરક્ષિત નીચે ઉતાર્યા હતા. જો થોડી મિનિટો મોડું થયું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.
તંત્રનો કાફલો ઘટનાસ્થળે ઘટનાની જાણ થતા જ મવડી અને કાલાવડ રોડ ફાયર સ્ટેશનની 5 ટીમો સ્થળ પર પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની અને સી.કે. નંદાણી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી હતી. હાલમાં આગ સંપૂર્ણ કાબૂમાં છે, પરંતુ બિલ્ડિંગના કાચ ગરમીના કારણે તૂટી પડ્યા હોવાથી સુરક્ષાના ભાગરૂપે અત્યારે કોઈને અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી.