Loading Please Wait !!!
જામનગરમાં મહાવીર જયંતીનો ઉત્સાહ: 'ત્રિશલા નંદન'ના જયઘોષ સાથે નીકળી ભવ્ય રથયાત્રા, ચાંદીના રથો બન્યા આકર્ષણનું કેન્દ્ર!

  • શહેરના 26 જૈન સંઘો એકઠા થયા - ચાંદી બજારથી પેલેસ રોડ સુધી ભક્તિમય માહોલ, નાસિક બેન્ડના તાલે ઝૂમ્યા શ્રદ્ધાળુઓ
  • શેઠજી દેરાસરથી પેલેસ દેરાસર સુધી ભવ્ય શોભાયાત્રા - કેસર પૂજા અને ભક્તામર પાઠથી ગુંજી ઉઠ્યા જૈન દેરાસરો
  • સાયકલિસ્ટ બાળકો અને ચામર નૃત્ય કરતા યુવાનોએ રથયાત્રામાં આકર્ષણ જમાવ્યું - ગુરુ ભગવંતોની નિશ્રામાં ધાર્મિક કાર્યક્રમો

અહિંસા અને અપરિગ્રહનો સંદેશ આપનાર જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવની આજે જામનગરમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના તમામ 26 જૈન સંઘોએ સાથે મળીને એક વિશાળ રથયાત્રાનું આયોજન કર્યું હતું, જેણે જામનગરના માર્ગો પર ભક્તિ અને સંસ્કૃતિનો સંગમ રચ્યો હતો.

નગરભ્રમણમાં ઉમટ્યું માનવ મહેરામણ વહેલી સવારે ચાંદી બજાર સ્થિત શેઠજી દેરાસરથી શરૂ થયેલી આ રથયાત્રામાં નાસિક બેન્ડના સૂર અને યુવાનોના ઉત્સાહે અનેરી રોનક લાવી હતી. રથયાત્રામાં જોડાયેલા 13 ફૂટ ઊંચા કાર્ટૂન પાત્રો બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, જ્યારે ચાંદીના ભવ્ય રથોએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ટાઉન હોલ અને લાલ બંગલા સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાં રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

શ્રદ્ધા અને સમર્પણના કાર્યક્રમો પેલેસ રોડ પર આવેલ દેરાસર ખાતે રથયાત્રાનું સમાપન થયા બાદ ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં ભક્તામર પાઠ અને પક્ષાલ પૂજા કરવામાં આવી હતી. જૈન સમાજના અગ્રણીઓએ આ પ્રસંગે ભગવાન મહાવીરના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા આહવાન કર્યું હતું. સાંજ પડતાની સાથે જ દેરાસરોમાં 108 દીવાની મહાઆરતી યોજાશે, જે આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બની રહેશે. જામનગરના જૈન સમાજમાં આ પર્વને લઈને આજે વહેલી સવારથી જ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.