Loading Please Wait !!!
કીર્તિ પટેલની ગેમ ઓવર; જેલ યાત્રા ફાઇનલ? કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

સુરતમાં વૃધ્ધ દંપત્તીનો ફ્લેટ પચાવી પાડ્યો

સિટી ન્યૂઝ@સુરત

સુરતમાં વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતા તેની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. કુંભાલ વિસ્તારમાં આવેલી ‘કુશલ દર્શન વાટીકા’નો ફ્લેટ નં. ૨૦૩ ભાડે રાખ્યા બાદ, કીર્તિ પટેલે ભાડું ન ચૂકવીને વૃદ્ધ દંપતીનો ફ્લેટ પચાવી પાડ્યો હોવાનો આરોપ લાગ્યો છે. મકાનમાલિકે ફ્લેટ ખાલી કરાવવા રજૂઆત કરતા કીર્તિ પટેલે "બીજીવાર આવ્યા તો જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી હોવાથી ગભરાયેલા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો.આ ઘટના સંદર્ભે સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કેસની તપાસ ACP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.મળતી વિગતો અનુસાર, કુંભાલની પંચવતી સોસાયટીમાં રહેતા વૃદ્ધા મંજુલાબેન કીર્તિભાઈ પટેલે કુંભાલ સ્થિત ‘કુશલ દર્શન વાટીકા’ના બીજા માળે આપેલો ફ્લેટ નં. ૨૦૩ વર્ષ ૨૦૧૬માં ખરીદો હતો. વર્ષ ૨૦૧૯માં સોસાયટીના પ્રમુખની ઓળખાણથી કીર્તિબેન રણછોડભાઈ પટેલ (કીર્તિ પટેલ) ને માસિક રૂ. ૬,૫૦૦ના ભાડાથી આ ફ્લેટ આપ્યો હતો. જોકે, કીર્તિ પટેલે ભાડાકાર માટે જરૂરી આધારકાર્ડ આપ્યું નહોતું અને સતત વાયદાઓ

કરતી રહી હતી. આ દરમિયાન અંદરોઅંદરની મારપીટના એક ગુનામાં કીર્તિ પટેલ જેલમાં ગઈ હતી. જેલમાંથી છૂટીને આવ્યા બાદ મકાનમાલિક મંજુલાબેન અને તેમના પતિએ રૂબરૂ મળી ફ્લેટ ખાલી કરવા જણાવતાં તેણે પહેલાં તો બીજું મકાન શોધવાનું બહાનું બતાવ્યું હતું. ત્યારબાદ કોરોના મહામારીનું કારણ ધરી ભાડું પણ આપ્યું નહોતું. મકાનમાલિક મંજુલાબેન અને તેમના પતિ અવારનવાર ફ્લેટ ખાલી કરાવવા માટે જતાં ત્યારે કીર્તિ પટેલે પોતાની અસલી દાદાગીરી બતાવી હતી. તેઓ મકાનમાલિકને સ્પષ્ટ કહી દીધું હતું કે, આ મકાનનું લાઈટબિલ હું ભરું છું, એટલે ફ્લેટ ખાલી કરવાની નથી. તમારાથી જે થાય તે કરી લો. જો બીજીવાર ફ્લેટ ખાલી કરાવવા આવશો તો તમને જાનથી મારી નાખીશ. આ ધમકીથી ગભરાયેલા મકાનમાલિકે આખરે પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા.કીર્તિ પટેલ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે હવે સુરતના પુણા પોલીસે મંજુલાબેનની ફરિયાદના આધારે ‘ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦’ ની કલમ ૪(૩), ૫(ચ) તથા ઈ.પી.કો. કલમ ૫૦૬(૨) મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસની ગંભીરતાને ધ્યાને રાખી આગામી તપાસ ‘બી’ ડિવિઝનના ACP પી.કે. પટેલને સોંપવામાં આવી છે.