"સુરત મનપાની 'કચરાલીલા': 213 કરોડનો કોન્ટ્રાક્ટ છતાં સી.ડી. ટ્રાન્સપોર્ટ કામમાં 50% ફેલ, તોય મળ્યું 10 માસનું એક્સટેન્શન"
- 30 લાખ ટન સામે માંડ 14 લાખ ટન કચરો ખસેડ્યો - પાલિકાના અધિકારીઓ ઇજારદાર પર કેમ મહેરબાન?
- 53 દિવસમાં બીજી વાર ભીષણ આગ - પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરીયાએ સુરત મનપાના અધિકારીઓને ઘેર્યા
- 5 વખત ટેન્ડર બહાર પાડ્યા છતાં કોઈ ન આવ્યું - મળતિયાઓને ગોઠવવા ટેન્ડરની શરતોમાં ખેલ કરાયાનો આરોપ.
સુરત મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ખજોદ ડમ્પિંગ સાઈટ પર વર્ષોથી જમા થયેલા ઘનકચરાના નિકાલ માટે વાપીની સી.ડી. ટ્રાન્સપોર્ટ કંપનીને અંદાજે 213 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ચોંકાવનારી વિગત એ છે કે, આ કંપની પોતાના લક્ષ્યાંક કરતા 50 ટકા પણ ઓછું કામ કરી શકી હોવા છતાં, મનપાના ઉચ્ચ અધિકારીઓએ તેને વધુ 10 મહિનાનું એક્સટેન્શન આપવાની તૈયારી કરી છે. આ નિર્ણયથી સુરતની જનતાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં જઈ રહ્યા હોય તેમ જણાય છે.
3 વર્ષમાં લક્ષ્યાંક અધૂરો, તો 10 મહિનામાં શું ઉખાડશે? પાલિકાના સત્તાવાર ઠરાવ મુજબ, સી.ડી. ટ્રાન્સપોર્ટને 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો હતો. પરંતુ વાસ્તવમાં કંપની માત્ર 13.62 લાખ ટન કચરો જ પ્રોસેસ કરી શકી છે. રોજનો 2500 મેટ્રિક ટન નિકાલ કરવાનો વાયદો માત્ર કાગળ પર જ રહ્યો છે. કંપનીની આ નિષ્ફળતાને કારણે પાલિકાએ અત્યાર સુધીમાં 40 લાખ રૂપિયાથી વધુની પેનલ્ટી વસૂલી છે. નિયમ મુજબ જે કંપની દંડ ભરે તેને બ્લેકલિસ્ટ કરવી જોઈએ, તેના બદલે મનપા તેને ફરીથી કામ સોંપીને 'મેહરબાની' કરી રહી છે.
ખજોદની આગ: પુરાવા ભૂંસવાનું ષડયંત્ર? સુરતના ડાયમંડ બુર્સની બિલકુલ સામે આવેલી આ સાઈટ પર છેલ્લા 53 દિવસમાં બે વાર ભીષણ આગ ફાટી નીકળી છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરીયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, કંપની કચરો ખસેડવામાં નિષ્ફળ રહી હોવાથી જથ્થો ઓછો બતાવવા માટે જાણીજોઈને આગ લગાડવામાં આવી રહી છે. આ 'મેનમેઇડ' આપત્તિ દ્વારા કચરાના ડુંગરોને સળગાવીને આંકડાકીય માયાજાળ રચવામાં આવતી હોવાની આશંકા છે.
ટેન્ડર પ્રક્રિયામાં 'સેટિંગ' નો ખેલ જૂનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા પાલિકાએ 5 વખત નવા ટેન્ડર બહાર પાડ્યા હતા, પરંતુ એક પણ નવી કંપનીએ રિસ્પોન્સ આપ્યો નથી. આ બાબતે વિપક્ષનું કહેવું છે કે ટેન્ડરની શરતો જ એવી રીતે 'ડિઝાઇન' કરવામાં આવે છે કે કોઈ નવી ટેકનિકલ કંપની એમાં ફિટ જ ન બેસે અને અંતે સી.ડી. ટ્રાન્સપોર્ટને જ મુદત વધારો આપવાનો રસ્તો સાફ થઈ જાય. ઉબેર ખાતેના નવા પ્લાન્ટમાં પણ ઈરાદાપૂર્વક વિલંબ કરવામાં આવી રહ્યો છે જેથી ખજોદમાં આ એજન્સીની મોનોપોલી જળવાઈ રહે.
પાલિકાની તિજોરી પર કરોડોનો બોજ ડાયમંડ બુર્સની પ્રતિષ્ઠા બચાવવા માટે પાલિકાએ પોતાના ખર્ચે રસ્તા બનાવ્યા અને કચરો ખસેડ્યો, જેનો 2.22 કરોડનો ખર્ચ ઇજારદાર પાસેથી વસૂલવાનો બાકી છે. ઇજારદારની નિષ્ફળતાને કારણે શહેરની આબરૂ અને તિજોરી બંને જોખમમાં છે. આમ છતાં, 4 જાન્યુઆરી 2026ના રોજ કામ પૂરું થતું હોવા છતાં કમિશનર દ્વારા 10 મહિનાના એક્સટેન્શનની દરખાસ્ત લાવવામાં આવી છે, જે શાસક પક્ષ અને અધિકારીઓની મિલીભગત તરફ આંગળી ચીંધે છે.