Loading Please Wait !!!
જૂનાગઢમાં ન્યાય માટે અરજદારનો આત્મઘાતી પ્રયાસ: SP કચેરીએ ફિનાઈલ પીધા બાદ તંત્રની ઊંઘ ઉડી

 

  • જૂનાગઢ મનપાની બાંધકામ શાખામાં સ્ટાફની ગેરહાજરીનું ફેસબુક લાઈવ કરનાર કરશનભાઈ સોલંકી પર હુમલો થયો હતો.

  • એન્જિનિયર પાનસુરીયા અને અન્ય સ્ટાફે ઝપાઝપી કરી ચપ્પલ વડે માર માર્યાનો અને જાતિગત અપમાન કર્યાનો આક્ષેપ.

  • પોલીસે શરૂઆતમાં અરજદારની ફરિયાદ લેવાને બદલે મનપા કર્મચારીઓની સામી ફરિયાદ નોંધી હતી.

    જૂનાગઢ મહાનગરપાલિકાના વહીવટમાં ચાલતી લાપરવાહી સામે અવાજ ઉઠાવવો એક જાગૃત નાગરિક માટે આફત બની ગયો છે. મનપાના અધિકારીઓ દ્વારા થયેલા અપમાન અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી સતત અવગણનાથી કંટાળીને દલિત અરજદાર કરશનભાઈ સોલંકીએ એસપી કચેરી ખાતે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. આ આત્મઘાતી કદમ બાદ જાગેલા પોલીસ તંત્રએ આખરે મનપાના એન્જિનિયર સહિતના કર્મચારીઓ સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધ્યો છે.

    ઘટનાની વિગતો મુજબ, ગત 13 એપ્રિલ ૨૦૨૬ના રોજ મધુરમ બાયપાસ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય કરશનભાઈ સોલંકી ગેરકાયદે બાંધકામની રજૂઆત કરવા મનપાની ટાઉન પ્લાનિંગ શાખામાં ગયા હતા. સવારે 11:15 વાગ્યે સ્ટાફની ગેરહાજરી જોઈ તેમણે ફેસબુક લાઈવ શરૂ કર્યું હતું. આ બાબતથી ઉશ્કેરાયેલા એન્જિનિયર પાનસુરીયા અને અન્ય સ્ટાફે કરશનભાઈને ઘેરી લઈ ઢીંકાપાટુનો માર માર્યો હતો. પીડિતનો આક્ષેપ છે કે કર્મચારીઓએ જાતિગત અપમાન કરી ચપ્પલ વડે પણ તેમના પર પ્રહાર કર્યા હતા.

    ચોંકાવનારી બાબત એ રહી કે, પોલીસે આ મામલે પીડિત અરજદારની ફરિયાદ લેવામાં ઠાગાઠૈયા કર્યા હતા, જ્યારે સામે પક્ષે મનપાના કર્મચારીઓની તરફેણ કરી કરશનભાઈ સામે જ સરકારી કામમાં રુકાવટનો ગુનો નોંધી લીધો હતો. બી-ડિવિઝન પોલીસના આ પક્ષપાતી વલણથી હતાશ થઈ કરશનભાઈએ આખરે એસપી કચેરીમાં જ જલદ પ્રવાહી પી લીધું હતું. હાલમાં તેમની હાલત સ્થિર છે અને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દલિત સમાજના વધતા રોષ અને એસપી કચેરીમાં થયેલા આ હંગામા બાદ પોલીસે હવે એન્જિનિયર પાનસુરીયા સહિતના બે વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી ઊંડી તપાસ હાથ ધરી છે.