Loading Please Wait !!!
ચૂંટણી ફોર્મમાં ભયંકર ભૂલ: કોંગ્રેસના ઉમેદવારે પક્ષના નામમાં 'ભાજપ' લખતા ફોર્મ રદ

 

  • જૂનાગઢ જિલ્લામાં ફોર્મ ચકાસણી દરમિયાન કોયલાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું.

  • ઉમેદવાર નીતાબેન મગરાએ ફોર્મમાં પક્ષનું નામ 'ભાજપ' લખ્યું હતું, જ્યારે મેન્ડેટ કોંગ્રેસનું રજૂ કર્યું.

  • ભાજપના મુખ્ય ઉમેદવાર ભીમાભાઈ ડાંગરનું ફોર્મ એફિડેવિટના અભાવે રદ, પુત્રી કિરણબેન હવે ઉમેદવાર.

    જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ચકાસણીના અંતિમ દિવસે રાજકીય ડ્રામા ચરમસીમાએ જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયા દરમિયાન સૌથી વધુ ચોંકાવનારો કિસ્સો માણાવદરની કોયલાણા જિલ્લા અને તાલુકા પંચાયત બેઠક પર સામે આવ્યો છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર નીતાબેન જેન્તીભાઈ મગરાએ પોતાના ઉમેદવારી ફોર્મમાં પક્ષના નામ તરીકે 'ભારતીય જનતા પાર્ટી' લખી નાખતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. મેન્ડેટ કોંગ્રેસનો હોવા છતાં પક્ષનું નામ ભાજપ લખવાની આ ગંભીર ભૂલ અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે.

    માત્ર કોયલાણા જ નહીં, પણ જૂનાગઢની અન્ય બેઠકો પર પણ ટેકનિકલ ખામીઓએ પક્ષોના ગણિત બગાડ્યા છે. જિલ્લા પંચાયતની કણઝા બેઠક પર ભાજપના મુખ્ય ઉમેદવાર ભીમાભાઈ ડાંગરનું ફોર્મ એફિડેવિટના અભાવે અમાન્ય ઠર્યું છે. જોકે, ભાજપે સમયસૂચકતા વાપરીને તેમની પુત્રી કિરણબેન ડાંગરને ડમી ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હોવાથી પક્ષની લાજ બચી છે. બીજી તરફ, ખડિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજશીભાઈ ચૌહાણનું સોગંદનામું ક્ષતિપૂર્ણ હોવાથી તેમનું ફોર્મ રદ થતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.

    આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જૂનાગઢમાં 'વિકાસ સંકલ્પ સભા' સંબોધીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસની માનસિકતા હંમેશા ગુજરાતના વિકાસને રૂંધવાની રહી છે. નર્મદા ડેમના દરવાજાનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ માત્ર 17 દિવસમાં ખેડૂતોની વેદના સમજી મંજૂરી આપી હતી. તેમણે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પર પ્રહાર કરતા કહ્યું કે જનતા ગુજરાતીઓના અપમાનનો જવાબ જરૂર આપશે.

    આ તમામ ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે 'અંદરખાને ગઠબંધન' હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરીયાએ જણાવ્યું હતું કે, કોયલાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ જે રીતે રદ થયું તે સાબિત કરે છે કે આ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી છે. તેમણે કહ્યું કે જ્યાં ભાજપને બિનહરીફ જીતાડવી હોય ત્યાં કોંગ્રેસ જાણીજોઈને નબળા ઉમેદવાર ઉતારે છે અથવા ફોર્મ ભરવામાં ભૂલો કરાવે છે.

    ફોર્મ ચકાસણીની આ પ્રક્રિયાના અંતે હવે જૂનાગઢનું રાજકીય ચિત્ર ઘણું બદલાઈ ગયું છે. અનેક બેઠકો પર મુખ્ય ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે ડમી ઉમેદવારો અને અપક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ખબર પડશે કે મેદાનમાં આખરે કોણ બાકી રહે છે. હાલ તો જૂનાગઢમાં ભાજપના આક્રમક પ્રચાર અને કોંગ્રેસની વહીવટી બેદરકારી વચ્ચે જનતાના મિજાજ પર સૌની નજર મંડાયેલી છે.