Loading Please Wait !!!
જૂનાગઢ મનપામાં 30.21 કરોડના વિકાસ કામો મંજૂર, ભ્રષ્ટાચારના આક્ષેપોથી માહોલ ગરમાયો

  • રેઈન વોટર હાર્વેસ્ટિંગ અને ગ્રાન્ટના બિનઉપયોગ મુદ્દે વિપક્ષે શાસકોને આડેહાથ લીધા
  • કચરામાંથી કોલસો અને 'વાંચન વલૂણું' પ્રોજેક્ટ જાહેર, વિપક્ષે ગણાવ્યા માત્ર કાગળ પરના વાયદા
  • સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 11 દરખાસ્તો પાસ, બે એજન્સીઓને કાળી યાદીમાં મુકાઈ

જૂનાગઢ મહાનગરપાલિકામાં વિકાસ અને વિવાદ વચ્ચે ફરી એકવાર રાજકીય જંગ છેડાયો છે. તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસક પક્ષ દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે કુલ 30.21 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે. જોકે, વિરોધ પક્ષે આ આંકડાઓને માત્ર કાગળ પરના વાયદા ગણાવીને તંત્ર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે, જેના કારણે મનપામાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેને જણાવ્યું હતું કે, શહેરના વિકાસ માટે 11 મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી મંજૂરી અપાઈ છે. જેમાં ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ માટે 'રેઈન વોટર હાર્વેસ્ટિંગ' સિસ્ટમ હેઠળ ખાસ ચેમ્બરો બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત પીપીપી ધોરણે 'વેસ્ટ ટુ ચારકોલ' પ્રોજેક્ટ દ્વારા કચરામાંથી કોલસો બનાવવાની અને નરસિંહ સરોવર ખાતે 'વાંચન વલૂણું' નામની ઓપન લાયબ્રેરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. વહીવટી શિસ્ત માટે બેદરકાર એજન્સીઓને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવી છે.

બીજી તરફ, વિરોધ પક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજે શાસકોના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે ઘટસ્ફોટ કર્યો હતો કે વર્ષ 2021 થી 15મા નાણાપંચની અંદાજે 30 કરોડ અને 25 લાખ જેટલી મંગી રકમ સરકારી તિજોરીમાં વણવપરાયેલી પડી છે. જ્યારે શહેરની જનતા તૂટેલા રસ્તા, ઉભરાતી ગટરો અને પીવાના પાણીની સમસ્યાથી હાલાકી ભોગવી રહી છે ત્યારે શાસકો ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે.

રેઈન વોટર હાર્વેસ્ટિંગ મુદ્દે પણ વિપક્ષે ટેકનિકલ સવાલો ઉઠાવ્યા છે. અદ્રેમાનભાઈના મતે રસ્તા પરનું ગંદુ પાણી જમીનમાં ઉતારવાની યોજના માત્ર ભ્રષ્ટાચાર કરવાની પેરવી છે, જે ભૂગર્ભ જળને પ્રદૂષિત કરશે. તેવી જ રીતે અગાઉ બનેલો ગેસ પ્લાન્ટ આજે ધૂળ ખાઈ રહ્યો હોવાનો દાખલો આપી તેમણે 'વેસ્ટ ટુ ચારકોલ' પ્રોજેક્ટને માત્ર એજન્સીઓને ફાયદો કરાવવાનું સાધન ગણાવ્યું હતું. હોકર્સ ઝોન તૈયાર હોવા છતાં નિયમો બનાવવામાં થયેલો વિલંબ તંત્રની અણઆવડત હોવાનું વિપક્ષ માને છે.

જૂનાગઢમાં ગટર વ્યવસ્થા અને રોડ-રસ્તાના પ્રશ્નોને લઈને લોકોમાં ભારે રોષ છે. કરોડોના ખર્ચે ગટર લાઈનો નખાઈ હોવા છતાં સામાન્ય વરસાદમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. વિપક્ષનો આરોપ છે કે મનપા હોદ્દેદારો માત્ર બજેટ વાપરી નાખવા માટે નવા આયોજનો કરે છે પણ ગુણવત્તામાં કોઈ સુધારો જોવા મળતો નથી. હવે જોવાનું એ રહેશે કે આ નવા મંજૂર થયેલા 30 કરોડના કામો ખરેખર જનતા સુધી પહોંચશે કે પછી માત્ર સરકારી કાગળોમાં આંકડા બનીને રહી જશે.