જામનગર ભાજપમાં મોટો ભડાકો: દિગ્ગજ નેતા કેશુભાઈ માડમે કેસરીયો છોડી 'હાથી' સવારી કરી, BSP માં જોડાતા ખળભળાટ!
- વોર્ડ નંબર 4 માં ભાજપનો ગઢ જોખમમાં – સતત ત્રણ ટર્મથી કોર્પોરેટર રહેલા માડમ હવે વિરોધ પક્ષના નેજા હેઠળ લડશે
- વોર્ડ-4 માં હવે ચતુષ્કોણીય જંગ: ભાજપ, કોંગ્રેસ, AAP અને BSP વચ્ચે જામશે રસાકસીનો જંગ
- લોકપ્રિય ચહેરાની બાદબાકીથી વોર્ડ-4 ના મતોનું ગણિત પલટાયું – આંતરિક અસંતોષે પક્ષને આપ્યો મોટો ઝટકો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 નો જંગ જામનગરના મેદાનમાં હવે વધુ રસાકસીભર્યો બની ગયો છે. જામનગર મહાનગરપાલિકામાં ભાજપના સૌથી સક્ષમ અને લોકપ્રિય ચહેરા પૈકીના એક ગણાતા પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમે છેલ્લી ઘડીએ કેસરીયો છોડીને બહુજન સમાજ પાર્ટી (BSP) નો છેડો પકડતા રાજકીય આલમમાં હડકંપ મચી ગયો છે. શનિવારે (11 એપ્રિલ) તેમણે વિધિવત રીતે BSP નો ખેસ ધારણ કરી લીધો છે.
વોર્ડ નંબર 4 માં કેશુભાઈ માડમની પકડ એટલી મજબૂત છે કે તેઓ છેલ્લા ત્રણ દાયકાથી (લગાતાર ત્રણ ટર્મ) પક્ષના વજ્ર સમાન હતા. ભાજપ જ્યારે પોતાના ઉમેદવારોની યાદી ફાઈનલ કરી રહી છે, ત્યારે જ આટલા મોટા નેતાની વિદાય પક્ષ માટે 'ખતરાની ઘંટડી' સમાન છે. માનવામાં આવે છે કે ભાજપની 'નો-રિપીટ' થીયરી અથવા નવા ચહેરાઓને સ્થાન આપવાના નિર્ણયથી નારાજ થઈને કેશુભાઈએ આ કદમ ઉઠાવ્યું છે.
કેશુભાઈના BSP માં જોડાવાથી હવે વોર્ડ-4 ની બેઠક પર ચતુષ્કોણીય જંગ ખેલાશે. અત્યાર સુધી જે લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મર્યાદિત હતી, તેમાં હવે BSP અને આમ આદમી પાર્ટી (AAP) પણ મજબૂત રીતે ઉતરી છે. કેશુભાઈ જેવા અનુભવી અને ગ્રાઉન્ડ લેવલના નેતા જ્યારે વિરોધ પક્ષના મેદાનમાં હોય, ત્યારે ભાજપ માટે પોતાનો ગઢ સાચવવો લોઢાના ચણા ચાવવા સમાન બની શકે છે.
જામનગરના રાજકારણમાં માડમ પરિવારનો દબદબો વર્ષોથી રહ્યો છે. ત્યારે કેશુભાઈનું આ પગલું માત્ર વોર્ડ-4 પૂરતું મર્યાદિત નહીં રહે, પણ તેની અસર આસપાસના અન્ય વોર્ડના મતો પર પણ જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરે છે અને શું કેશુભાઈ 'હાથી' પર સવાર થઈને મનપામાં ફરી પ્રવેશ કરી શકશે?