જામનગર કોંગ્રેસને ચૂંટણી પહેલા મોટો ઝટકો: વોર્ડ નં. 2 ના દિગ્ગજ નેતા ઋષિરાજસિંહ જાડેજાએ ધારણ કર્યો કેસરિયો!
- બીનાબેન કોઠારીના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો - ટેકેદારોના મહેરામણ સાથે કોંગ્રેસને રામ-રામ કહી 'કમળ' ખીલાવ્યું
- રાજીનામું આપી અટકળોનો અંત લાવ્યા - શાંતિનગર વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા નેતાના પક્ષપલટાથી સમીકરણો બદલાયા
- "અંગત કારણો" દર્શાવી કોંગ્રેસ છોડી, હવે ભાજપની વિકાસગાથામાં જોડાયા - કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બનશે મુશ્કેલ
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસનો મજબૂત ચહેરો ગણાતા ઋષિરાજસિંહ જાડેજાએ પક્ષ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીનું દામન થામી લીધું છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ બીનાબેન કોઠારીએ તેમને આવકાર્યા હતા. આ પક્ષપલટાથી જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
અંગત કારણોથી શરૂઆત, ભાજપમાં અંત ઋષિરાજસિંહ જાડેજાએ સૌ પ્રથમ કોંગ્રેસ હાઈકમાન્ડને પત્ર લખીને તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું, જેમાં તેમણે 'અંગત કારણો'નો હવાલો આપ્યો હતો. જોકે, ગણતરીના કલાકોમાં જ તેઓ પોતાના સેંકડો સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે. શાંતિનગર અને આસપાસના વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ અને યુવાનોમાં તેમનું મોટું વર્ચસ્વ છે, જે હવે ભાજપની વોટબેંકમાં પરિવર્તિત થઈ શકે છે.
કોંગ્રેસ માટે મોટો ફટકો ચૂંટણી જાહેર થઈ ચુકી છે અને સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, તેવા સમયે જ સક્રિય કાર્યકરોનું પક્ષ છોડવું કોંગ્રેસ માટે ચિંતાનો વિષય છે. ઋષિરાજસિંહે જણાવ્યું કે તેઓ શહેરના વિકાસ અને ભાજપના મજબૂત નેતૃત્વ હેઠળ કામ કરવા માંગે છે. રાજકોટ જેવી જ સ્થિતિ જામનગરમાં પણ જોવા મળી રહી છે, જ્યાં વિપક્ષના નેતાઓ સતત સત્તાધારી પક્ષ તરફ આકર્ષાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ આ ગાબડું કેવી રીતે પૂરે છે.