જામનગર મનપામાં રવિવારની રાત 'રૂપિયાની વરસાદ' જેવી રહી: એક જ દિવસમાં ₹6.35 કરોડની રેકોર્ડબ્રેક વેરા વસૂલાત!
- 100% વ્યાજ માફી યોજનાનો અંતિમ દિવસ - મધરાત સુધી કેશ કાઉન્ટરો ધમધમશે, બાકીદારોની સિવિક સેન્ટરો પર લાંબી કતારો
- 31મી માર્ચ છેલ્લી તક! અત્યાર સુધી 19,500થી વધુ લોકોએ મેળવ્યો ₹11.89 કરોડનો કરલાભ - કમિશનરની કડક કાર્યવાહીની ચેતવણી
- પાંચ સિવિક સેન્ટર અને મોબાઈલ વાન દ્વારા વસૂલાતની ઝુંબેશ - ઓનલાઈન અને એપ્લિકેશન પર પણ ઈ-સુવિધા કાર્યરત
જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત અને પાણી વેરાની વસૂલાત માટે અમલી બનાવાયેલી 100 ટકા વ્યાજ માફી યોજના હવે તેના અંતિમ પડાવ પર છે. આ યોજનાના છેલ્લા દિવસોમાં કરદાતાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સોમવારે સવારથી જ મનપાની મુખ્ય કચેરી અને વિવિધ સિવિક સેન્ટરો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી, જેના પરિણામે એક જ દિવસમાં ₹6.35 કરોડની ધીંગી આવક મનપાને થઈ છે.
ક્યાં ભરી શકાશે વેરો? કરદાતાઓની સુવિધા માટે મનપાએ રણજીતનગર, ગુલાબનગર, શરૂ સેક્શન, ગ્રીન સિટી અને સમર્પણ સર્કલ ખાતેના સિવિક સેન્ટરો પર વિશેષ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત મનપાની વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન અને નિયત બેંકોના માધ્યમથી ઓનલાઈન વેરો ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. મુખ્ય કચેરી ખાતે 4 સ્પેશિયલ કેશ કાઉન્ટરો મધરાત સુધી ચાલુ રહેશે.
કમિશનરની અપીલ અને ચેતવણી મનપા કમિશનર ડી.એન. મોદીએ બાકીદારોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે લોકો આ યોજનાનો લાભ નહીં લે અને વેરો બાકી રાખશે, તેમની સામે આવતીકાલથી જ સીલિંગ અને અન્ય કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હજુ પણ શહેરમાં 1.90 લાખ કરદાતાઓનો ટેક્સ બાકી હોવાનું સામે આવ્યું છે, ત્યારે તંત્ર આજે રાત્રે 12 વાગ્યા સુધી પૂરી તાકાત સાથે વસૂલાતની કામગીરીમાં જોતરાયું છે.