જામનગરમાં ઉનાળુ વાવેતર પર 'સીઝન ઈફેક્ટ': માત્ર 10,760 હેક્ટરમાં વાવણી, ખેડૂતોએ કેમ ફેરવ્યું મોઢું?
- મોડો વરસાદ અને પાણીની અછત નડી – આગામી ચોમાસું વહેલું સાચવવા ખેડૂતોનો વાવેતરમાં કાપ
- ખેતીવાડી અધિકારી આર. એસ. ગોહેલનું વિશ્લેષણ – એપ્રિલ સુધી લણણી ચાલતા ઉનાળુ સીઝન પ્રભાવિત
- જામજોધપુર 3768 હેક્ટર સાથે મોખરે, જ્યારે જોડીયા અને જામનગર તાલુકામાં વાવેતર તળિયે
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખેતીવાડી વિભાગના લેટેસ્ટ આંકડા મુજબ, સમગ્ર જિલ્લામાં માત્ર 10,760 હેક્ટર જમીનમાં જ ઉનાળુ વાવણી થઈ છે. આ ઘટાડા પાછળ મુખ્યત્વે ગત ચોમાસાનું પાછળું ખેંચાવું અને શિયાળુ સીઝન મોડી શરૂ થવી જવાબદાર હોવાનું મનાય છે. ખેડૂતોએ એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધી શિયાળુ પાકની લણણી કરી હોવાથી ઉનાળુ પાક લેવા માટે પૂરતો સમય અને પાણીની સગવડ મળી નથી.
જિલ્લા ખેતીવાડી અધિકારી આર. એસ. ગોહેલના જણાવ્યા મુજબ, ગત વર્ષે નોરતા પછી પણ વરસાદ થતા મગફળી સહિતના પાકો કાઢવામાં વિલંબ થયો હતો. આ કારણે શિયાળુ વાવેતર મોડું થયું અને તેની સીધી અસર અત્યારે ઉનાળુ સીઝન પર જોવા મળી રહી છે. બીજી મહત્વની વાત એ છે કે, ખેડૂતો હવે આગામી ચોમાસુ વાવણીમાં મોડું કરવા માંગતા નથી, તેથી જમીનને આરામ આપવા અને આગામી સીઝન માટે તૈયાર કરવા વાવેતર ઓછું કર્યું છે.
પાકવાર વિગતો જોઈએ તો, જામનગરના ખેડૂતોએ સૌથી વધુ ભરોસો તલ પર મૂક્યો છે, જેનું 4,589 હેક્ટરમાં વાવેતર થયું છે. તે સિવાય મગ 1,770 હેક્ટર અને ઘાસચારો 1,970 હેક્ટરમાં વવાયો છે. રસપ્રદ વાત એ છે કે, ગુવારગમનું વાવેતર માત્ર 10 હેક્ટરમાં અને તે પણ માત્ર જોડીયા તાલુકામાં થયું છે. અડદનું વાવેતર પણ માત્ર જામજોધપુર અને જોડીયા પૂરતું સીમિત રહ્યું છે.
તાલુકાવાર સ્થિતિમાં જામજોધપુર તાલુકો 3,768 હેક્ટર સાથે વાવેતરમાં મોખરે રહ્યો છે, જ્યારે જોડીયા અને જામનગર તાલુકામાં વાવેતરના આંકડા એક હજાર હેક્ટરની નીચે રહ્યા છે. જિલ્લામાં હાલ ઉનાળુ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ સીઝન લેઈટ હોવાની અસર જોવા મળી રહી છે ત્યારે જામનગરના આ આંકડા કૃષિ બજાર અને ઘાસચારાની ઉપલબ્ધિ પર આગામી દિવસોમાં કેવી અસર કરશે તે જોવું રહ્યું.