મહિલા એશિયા કપ 2026ની ફાઇનલમાં મોટો ડ્રામા સર્જાયો
-
એસીસી પ્રમુખ તરીકે મોહસીન નકવી રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે હાજર
-
શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુને અપાયો રનર્સ-અપ ચેક
-
લાંબો સમય રાહ જોયા બાદ પણ ભારતીય ટીમ ટ્રોફી લેવા બહાર ન આવી
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા એશિયા કપ 2026ની ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને શાનદાર ખિતાબ પોતાના નામે કર્યો છે, પરંતુ મેચ બાદ સ્ટેજ પર એક મોટો ડ્રામા જોવા મળ્યો હતો. એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના પ્રમુખ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ભારતીય મહિલા ટીમે સાફ ઇનકાર કરી દીધો છે. નકવી આ ફાઇનલમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તેમણે શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુને રનર્સ-અપ ચેક અર્પણ કર્યો હતો, પરંતુ જ્યારે ટ્રોફી આપવાનો સમય આવ્યો ત્યારે ટીમ ઇન્ડિયા લાંબા સમય સુધી મેદાન પર આવી ન હતી.
આ પ્રસંગે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા પણ ભારતીય મહિલા ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ વર્ષ 2025ના એશિયા કપ દરમિયાન પણ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપવાળી ભારતીય પુરુષ ટીમે પણ મોહસીન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે નકવીએ ટ્રોફી વગર જ પરત ફરવું પડ્યું હતું. હવે મહિલા ટીમે પણ આ જ કડક રૂખ અપનાવતા પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના પ્રમુખ પાસેથી મેડલ અને ટ્રોફી લેવાની ના પાડી દીધી છે.
ખેલ જગત અને કૂટનીતિક સંદેશ
ખેલ અને રાષ્ટ્રીય સ્વાભિમાનના મુદ્દે ભારતીય ખેલાડીઓ દ્વારા લેવામાં આવતા આવા મક્કમ નિર્ણયો દેશની સ્પષ્ટ નીતિ અને મજબૂત વલણને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે છે.
મહિલા એશિયા કપની ટ્રોફી વિવાદ, નકવીને બે વિકલ્પ અપાયા હતા
મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો. જોકે, મેચ બાદ યોજાયેલી પ્રેઝન્ટેશન સેરેમનીમાં ટ્રોફી સ્વીકારવાના મુદ્દે મોટો વિવાદ સર્જાયો હતો. ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને પાકિસ્તાન સરકારના મંત્રી મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હતો.
BCCI સચિવ દેવાજીત સૈકિયાના જણાવ્યા મુજબ ભારત શરૂઆતથી જ નકવી પાસેથી ટ્રોફી લેવાની તરફેણમાં નહોતું. વિવાદ ટાળવા માટે નકવીને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા.
પ્રથમ, ACCના ઉપાધ્યક્ષ ખાલિદ અલ ઝરૂની ભારતીય ટીમને ટ્રોફી આપે અને બીજો, તાજેતરની પરંપરા મુજબ વિજેતા દેશના ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિ પોતાની ટીમને ટ્રોફી એનાયત કરે. જોકે, નકવીએ બંને વિકલ્પો નકારી કાઢ્યા અને પોતે જ ટ્રોફી આપવાની જીદ રાખી હતી. પરિણામે પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન ટ્રોફી મુદ્દે ગતિરોધ સર્જાયો હતો.