જામનગરમાં આઈજી નિર્લિપ્ત રાયનો 'સુપરફાસ્ટ' એક્શન: મુલાકાતના 2 જ કલાકમાં 'વ્હાઇટ હાઉસ' પર ફરી વળ્યું બુલડોઝર!
- પટ્ટણીવાડ-ખાટકીવાડમાં 72 ગેરકાયદે રૂમો જમીનદોસ્ત - ભૂમાફિયાઓના સામ્રાજ્ય પર કાયદાનો હથોડો
- વોર્ડ નં. 12 માં આઈજીની વિઝિટ બાદ તંત્ર હરકતમાં - આકાશી નજારે દેખાયો ડિમોલિશનનો ખૌફ
- ગણતરીના કલાકોમાં જ વ્હાઇટ હાઉસ કાટમાળના ઢગલામાં ફેરવાયું - પોલીસ અને મનપાનું સંયુક્ત ઓપરેશન
રાજકોટ રેન્જ આઈજી તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયે જામનગરમાં અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓ વિરુદ્ધ જંગ છેડ્યો છે. જામનગરની મુલાકાત દરમિયાન શહેરની કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરતી વખતે તેમણે ગેરકાયદે બાંધકામો સામે લાલ આંખ કરી હતી. આઈજીના આદેશના ગણતરીના કલાકોમાં જ તંત્રએ જામનગરના કુખ્યાત 'વ્હાઇટ હાઉસ' પર હથોડો ઝીંકી દીધો છે.
આદેશના માત્ર 120 મિનિટમાં એક્શન આઈજી નિર્લિપ્ત રાયે શનિવારે જામનગરના વોર્ડ નંબર 12 ના સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન પટ્ટણીવાડ અને ખાટકીવાડ વિસ્તારમાં વગર મંજૂરીએ ખડકાયેલા બાંધકામોની વિગતો તેમની નજરે પડી હતી. તેમણે તાત્કાલિક અસરથી આ દબાણો દૂર કરવા સૂચના આપતા જ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને પોલીસ કાફલો એક્શનમાં આવ્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે આદેશ મળ્યાના માત્ર બે જ કલાકમાં 72 જેટલા ગેરકાયદે રૂમોને તોડી પાડવાનું ઓપરેશન શરૂ થઈ ગયું હતું.
ડ્રોનથી રખાઈ બાજ નજર આ સમગ્ર ડિમોલિશન પ્રક્રિયા અત્યંત ગીચ વિસ્તારમાં હોવાથી તંત્રએ સુરક્ષાના તમામ પાસાઓનું ધ્યાન રાખ્યું હતું. સમગ્ર ઓપરેશનનો આકાશી નજારો ડ્રોન ફૂટેજ દ્વારા સામે આવ્યો છે, જેમાં 'વ્હાઇટ હાઉસ' તરીકે ઓળખાતા વિસ્તારમાં બુલડોઝરો દ્વારા ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવવામાં આવતો જોઈ શકાય છે. જે બાંધકામો વર્ષોથી અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો ગણાતા હતા, તેને મિનિટોમાં જ કાટમાળના ઢગલામાં ફેરવી દેવામાં આવ્યા હતા.
ભૂમાફિયાઓમાં ફફડાટ નિર્લિપ્ત રાયની આ આક્રમક શૈલીને કારણે સ્થાનિક ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જામનગરના ઈતિહાસમાં આટલી ઝડપી અને અસરકારક કામગીરી ભાગ્યે જ જોવા મળી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે કાયદો અને વ્યવસ્થાના ભોગે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. આ કાર્યવાહી તો માત્ર ટ્રેલર છે, આગામી દિવસોમાં શહેરના અન્ય ભાગોમાં પણ દબાણો પર બુલડોઝર ફરી શકે છે.
આ મેગા ઓપરેશન બાદ જામનગરના નાગરિકોમાં પોલીસ તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ થયો છે, જ્યારે ગુનેગારોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે.