રાજકોટમાં મોતી દુર્ઘટના ટળી: સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડરના ધડાકા સાથે ભયાનક આગ, લાઈવ વીડિયો વાયરલ!
- આગ ઠારવા પાણી છાંટતા હતા ને થયો બ્લાસ્ટ - પાર્કિંગમાંથી 40 સિલિન્ડર અને ડીઝલના કેરબા મળતા ખળભળાટ
- બિલ્ડર અને TRB જવાન ગંભીર રીતે દાઝ્યા - રહેણાંક મકાનમાં બોમ્બના ગોળાની જેમ ફાટ્યા બે સિલિન્ડર
- મકાન માલિકને BU પરમિશન મામલે નોટિસ - પુરવઠા વિભાગે ડીઝલ અને ગેસનો જથ્થો કબજે કર્યો.
શહેરના સહકાર મેઈન રોડ પર આવેલી સાધના સોસાયટીમાં ગતરોજ બપોરે એક એવી ભયાનક ઘટના બની જેણે સમગ્ર રાજકોટને હચમચાવી દીધું છે. એક રહેણાંક મકાનના પાર્કિંગમાં રાખેલા ગેસના બાટલાઓમાં અચાનક આગ લાગ્યા બાદ બે સિલિન્ડર બોમ્બની જેમ ફાટ્યા હતા. આ ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો પાણી છાંટીને આગ ઠારવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે અને અચાનક બ્લાસ્ટ થતાં ભાગદોડ મચી જાય છે.
'મમ્મી પપ્પા જો...' બાળકની ચીસોથી વિસ્તાર ગૂંજી ઉઠ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક પાણીની પાઈપ લઈને ગેટ પાસેથી આગ ઠારવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેની આસપાસના લોકો તેને મદદ કરી રહ્યા હોય છે એટલામાં જ અચાનક બે ગેસ સિલિન્ડર એક પછી એક બ્લાસ્ટ થાય છે. વીડિયોમાં એક બાળક તેના પપ્પા માટે બૂમો પાડતું સંભળાય છે, જે આ દ્રશ્યની ભયાનકતા દર્શાવે છે. આ દુર્ઘટનામાં 20 વર્ષીય TRB જવાન મોહિત અને 55 વર્ષીય બિલ્ડર શામજીભાઈ ગંભીર રીતે દાઝી ગયા છે.
રહેણાંક વિસ્તારમાં મોતનો જથ્થો ફાયર બ્રિગેડ અને પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મકાન માલિક અશોક રૈયાણીના પાર્કિંગમાંથી અંદાજે 40 જેટલા LPG સિલિન્ડર અને 5 ડીઝલના કેરબા મળી આવ્યા છે. અહીં કેટરર્સનો સામાન પણ રાખવામાં આવ્યો હતો. સૌથી ગંભીર બાબત એ છે કે ત્યાંથી ગેસ રિફિલિંગ કરવા માટેની ઇલેક્ટ્રિક મોટર પણ મળી આવી છે, જે ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફરનો કાળો કારોબાર ચાલતો હોવાની આશંકા જન્માવે છે.
તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને નોટિસ કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લેતા મોટી જાનહાનિ ટળી હતી. જો બાકીના 38 સિલિન્ડર સુધી આગ પહોંચી હોત તો આખી સોસાયટીમાં મોટી તબાહી સર્જાઈ શકી હોત. ભક્તિનગર પોલીસે આ મામલે જાણવા જોગ એન્ટ્રી કરી છે. પુરવઠા વિભાગે તમામ જથ્થો કબજે લીધો છે. બીજી તરફ, ફાયર વિભાગે મકાન માલિકને નોટિસ ફટકારી છે કે રહેણાંક મકાનમાં આટલો જથ્થો શા માટે રખાયો હતો અને બિલ્ડિંગની BU પરમિશન સહિતના દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપ્યો છે.
આ ઘટનાએ રહેણાંક વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર ગોડાઉનો અને ગેસ રિફિલિંગના જોખમી વેપાર સામે લાલબત્તી ધરી છે.