Loading Please Wait !!!
રાજકોટ ભાજપમાં ભડકો: નેહલ શુક્લ અને વિરેન્દ્રસિંહ ઝાલા વચ્ચે ઉગ્ર બોલાચાલી, મામલો ‘તું તું મેં મેં’ પર પહોંચ્યો

 

  • રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના બે કદાવર નેતાઓ નેહલ શુક્લ અને વિરેન્દ્રસિંહ ઝાલા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.

  • ધારાસભ્ય રમેશ ટીલાળાના કાર્યાલયમાં સંકલન બેઠક દરમિયાન ફોન પર મળેલી 'ઓર્ડર' જેવી સૂચનાથી વિવાદ વકર્યો.

  • નેહલ શુક્લએ સ્ટેજ પરથી વિરેન્દ્રસિંહને નીચે બોલાવી મર્યાદામાં રહેવા અને ચોક્કસ સ્ટાઇલમાં વાત ન કરવા ચેતવણી આપી.

    રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપ માટે આંતરિક જૂથવાદ માથાનો દુખાવો બની રહ્યો છે. ગઈકાલે બપોરે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના ભક્તિનગર સર્કલ પાસે આવેલા કાર્યાલયમાં ચૂંટણી સંકલન સમિતિની મહત્વની બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં સાંસદ પરસોત્તમ રૂપાલા અને શહેર પ્રમુખ ડો. માધવ દવેની હાજરીમાં જ વોર્ડ નંબર 7 ના ઉમેદવાર નેહલ શુક્લ અને સંયોજક વિરેન્દ્રસિંહ ઝાલા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સન્નાટો વ્યાપી ગયો હતો.

    ઘટનાની વિગતો મુજબ, પ્રચારમાં વ્યસ્ત નેહલ શુક્લને વિરેન્દ્રસિંહ ઝાલાએ ફોન કરીને તાત્કાલિક કાર્યાલયે આવી જવાનો આદેશ આપ્યો હતો. વિરેન્દ્રસિંહનો વાત કરવાનો લહેજો ‘ઓર્ડર’ જેવો લાગતા નેહલ શુક્લ તુરંત કાર્યાલય પહોંચ્યા હતા અને સ્ટેજ પર બેઠેલા વિરેન્દ્રસિંહને નીચે બોલાવ્યા હતા. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. નેહલ શુક્લએ રોષ સાથે જણાવ્યું હતું કે, "મારી સાથે તમારી સ્ટાઇલની ભાષામાં વાત કરવાની જરૂર નથી, મર્યાદામાં રહેજો. મને પૂછ્યા વગર મારો સમય નક્કી નહીં કરવાનો."

    આ હંગામાને પગલે બેઠકમાં હાજર અન્ય કાર્યકરો અને નેતાઓ પણ અચંબામાં પડી ગયા હતા. સ્થિતિ વધુ વણસે તે પહેલા શહેર પ્રમુખ ડો. માધવ દવેએ તાત્કાલિક સંકલન બેઠક પૂરી થયાની જાહેરાત કરી દીધી હતી અને બંને નેતાઓને બંધ બારણે સમજાવી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનાના સમાચાર વાયુવેગે શહેરમાં પ્રસરી જતા રાજકીય આલમમાં તે ‘ટોક ઓફ ધ ટાઉન’ બની છે.

    નોંધનીય છે કે વોર્ડ નંબર 7 માં પહેલા શૈલેષ જાનીનું નામ જાહેર થયા બાદ રાતોરાત નેહલ શુક્લ મેન્ડેટ લઈ આવ્યા હતા, જેના કારણે એક જૂથમાં પહેલેથી જ નારાજગી હતી. હવે મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ પ્રકારની જૂથબંધી અને નેતાઓ વચ્ચેની તકરાર ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. જોકે, બંને નેતાઓએ જાહેરમાં આ માત્ર સામાન્ય ચર્ચા હોવાનું કહી વાતને હળવી બનાવવાનો પ્રયાસ કર્યો છે.