ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ: 1 એપ્રિલે મતદાર યાદી ફાઈનલ, એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ થઈ શકે છે મોટી જાહેરાત!
- મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ - રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ કરી પૂર્ણ
- ઉમેદવારોની પસંદગી અને પ્રચાર માટે રાજકીય પક્ષો એક્શન મોડમાં - વહીવટી તંત્રને કડક સૂચનાઓ જારી
- જિલ્લા અને તાલુકા પંચાયતોના ભાવિનો થશે ફેંસલો - નવા મતદારોના નામ ઉમેરવાની કામગીરી પૂર્ણ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગે મતદાર યાદીની વિશેષ પુનઃસમીક્ષાની પ્રક્રિયાને આખરી ઓપ આપી દીધો છે. આગામી 1 એપ્રિલ 2026ના રોજ રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો માટેની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જાહેરાતની શક્યતા સૂત્રોના જણાવ્યા અનુસાર, મતદાર યાદી ફાઈનલ થયાના ગણતરીના દિવસોમાં જ એટલે કે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ ચૂંટણીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે. આ જાહેરાતની સાથે જ રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલી બની જશે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ક્ષતિ કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
રાજકીય પક્ષો એક્શન મોડમાં ચૂંટણીના આ સંકેતોએ રાજકીય પક્ષોમાં હડકંપ મચાવી દીધો છે. ખાસ કરીને રાજકોટ જેવા મોટા શહેરોમાં વોર્ડ વાઈઝ ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોની દોડધામ વધી ગઈ છે. નવા સીમાંકન અને મતદાર યાદી મુજબ કયા ઉમેદવારને ક્યાંથી મેદાનમાં ઉતારવા તે માટે ગણિત માંડવામાં આવી રહ્યું છે. નવા યુવા મતદારોના નામ ઉમેરવા પર પણ આ વખતે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળશે, કારણ કે 1 એપ્રિલ બાદ ગમે ત્યારે લોકશાહીના આ પર્વની સત્તાવાર ઘોષણા થઈ શકે છે.