Loading Please Wait !!!
સુરતમાં ચૂંટણી પહેલા 'વોટબંધી': ગોરાટ હનુમાન મંદિર બચાવે તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું!

  • અડાજણમાં અશાંતધારાના ઉલ્લંઘન સામે સોસાયટીઓના ગેટ પર લાગ્યા પોસ્ટરો - 5000 પરિવારોનો ચૂંટણી બહિષ્કારનો સુર
  • હિન્દુ બહુમતી વિસ્તારમાં અન્ય ધર્મના લોકોને ફ્લેટ અપાતા રોષ - 21 માળની બિલ્ડિંગના પ્રોજેક્ટ સામે હાઈકોર્ટમાં લડત
  • 18 મીટરના રોડ પર 21 માળની મંજૂરી કઈ રીતે મળી? - સ્થાનિકોએ પૂછ્યા આકરા સવાલ, 7 દિવસમાં નિર્ણય લેવા અલ્ટીમેટમ

મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ સુરતના અડાજણ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે. તાડવાડી સ્થિત ઐતિહાસિક ગોરાટ હનુમાન મંદિરની સુરક્ષા અને અશાંતધારાના સરેઆમ ઉલ્લંઘન મુદ્દે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીઓના ગેટ પર એવા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે કે, "જે ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું." હનુમાન જયંતિના પવિત્ર દિવસે જ આ પ્રકારનો વિરોધ સામે આવતા શાસક પક્ષ માટે મુશ્કેલીઓ વધી શકે તેમ છે.

મંદિરના પૂજારી શિવલહરી ગોસ્વામીએ સરકાર સામે સીધો આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ભાજપ સરકાર સાધુ-સંતોના ટેકાથી સત્તા પર આવી છે, પરંતુ અત્યારે તે મંદિર અને સંતોની વિરુદ્ધ કામ કરી રહી હોય તેવું લાગે છે. પૂજારીના મતે, આ વિસ્તાર સંપૂર્ણપણે હિન્દુ બહુમતી ધરાવે છે અને અશાંતધારો અમલી હોવા છતાં અન્ય ધર્મના લોકોને અહીં વસાવવાનું મોટું ષડયંત્ર બિલ્ડર અને તંત્રની મિલીભગતથી ચાલી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી આ પ્રોજેક્ટનો વિરોધ કરવા છતાં કોઈ નેતા સાંભળવા તૈયાર નથી.

સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, 18 મીટરના રોડ પર માત્ર 14 માળની મંજૂરી મળી શકે તેમ છે, તેની જગ્યાએ 21 માળનું બાંધકામ કઈ રીતે થઈ રહ્યું છે? આ મામલે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. વિજયભાઈ જરીવાલા નામના રહીશે તો ત્યાં સુધી આક્ષેપ કર્યો છે કે, "મને ક્ષત્રિય હોવાથી આ બિલ્ડરના અન્ય પ્રોજેક્ટમાં ફ્લેટ ન અપાયો, તો અહીં અન્ય ધર્મના લોકો માટે કેમ લાલ જાજમ બિછાવવામાં આવી રહી છે?" ત્રણ માળનું કામ પૂરું થયા બાદ એસએમસી (SMC) ની મંજૂરી મળવી તે પણ શંકા ઉપજાવે છે.

આ વિવાદ હવે માત્ર બાંધકામ પૂરતો મર્યાદિત રહ્યો નથી, પણ અસ્તિત્વની લડાઈ બની ગયો છે. તાડવાડી અને હનુમાન ચોક વિસ્તારના અંદાજે 5000 પરિવારોએ એકસૂરે નક્કી કર્યું છે કે તેઓ હવે પક્ષની વિચારધારાને બાજુ પર મૂકીને માત્ર પોતાના વિસ્તારની સુરક્ષાને જ પ્રાધાન્ય આપશે. અન્ય ધર્મના લોકોના પ્રવેશ સામેનો આ વિરોધ આગામી મનપા ચૂંટણીમાં પશ્ચિમ વિસ્તારમાં નિર્ણાયક સાબિત થશે. રહીશોએ સ્પષ્ટ કર્યું છે કે જો સાત દિવસમાં આ ગેરકાયદેસર પ્રક્રિયા રોકવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેજ કરશે.

રાજકોટમાં પણ અગાઉ આવા અશાંતધારાના વિવાદો સામે આવ્યા છે, ત્યારે સુરતની આ ઘટનાએ સાબિત કર્યું છે કે જનતા હવે જાગૃત થઈ છે. શ્રદ્ધા અને કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘન વચ્ચે ઘેરાયેલા રાજકીય પક્ષો માટે હવે પોતાની 'વોટ બેંક' બચાવવી પહાડ ચઢવા જેવું કામ છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે સ્થાનિકો હવે કોઈ પણ સંજોગોમાં નમતું જોખવા તૈયાર નથી.