ગોંડલમાં ચોરી કરનાર સિકલીગર ગેંગના 2 આરોપી ઝડપાયા
સિટી ન્યૂઝ@ગોંડલ : ગોંડલના ગુંદાળા રોડ પર વ્રજ વાટિકા એપાર્ટમેન્ટમાં 7 લાખની ચોરી અને 2 બાઈક ચોરીનો ભેદ ઉકેલી રાજકોટ ગ્રામ્ય એલસીબીએ સિકલીગર ગેંગના 2 રીઢા આરોપીઓને ઝડપી લીધા છે. પૂછપરછમાં ખૂલ્યું કે ગત 27 તારીખે આરોપીઓ સુરતથી ઝાયલો કારમાં ગોંડલ આવ્યા હતા. હાઈવે પર કાર પાર્ક કરી 2 બાઈક ચોર્યા અને તેના પર રેકી કરીને ટ્રાન્સપોર્ટરના ફ્લેટને નિશાન બનાવ્યો હતો.
પોલીસે આરોપીઓ પાસેથી 2 બાઈક, 1 કાર, મોબાઈલ અને 5400 રોકડા મળી કુલ 3,05,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.એલસીબી ટીમે સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ ઝાયલો કારની તપાસ કરતા નાનકસિંહ ટાંક (ઉ.વ. 45, રહે. સુરત) અને જશબિરસિંગ ટાંક (ઉ.વ. 25, રહે. વંથલી) ની ધરપકડ કરી છે.
બંને રીઢા ગુનેગાર છે, જેમાં મુખ્ય આરોપી નાનકસિંહ સામે 35 અને જશબિરસિંગ સામે 15 ગુના અગાઉ નોંધાયેલા છે. હાલ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.