Loading Please Wait !!!
ટાઈગર શ્રોફ પર ફાયરિંગથી મુંબઈની સુરક્ષાના લીરેલીરા ઉડ્યા!

 

  • પોલીસ ચોકી પાસે જ બાઈક મૂકી શૂટરો ફરાર!

  • ટાઈગર પર 5 રાઉન્ડ ફાયરિંગ: બિશ્નોઈ ગેંગનો આતંક!

  • શૂટરો ભાગી ગયા અને સરકાર ખાલી ચેતવણીઓ આપે!

સિટી ન્યુઝ @ મુંબઈ 

માયાનગરીમાં સેલેબ્રિટીઝની સુરક્ષા સામે ફરી 1 વાર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. રવિવારે રાત્રે બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ ફૂટબોલ રમીને પરત ફરી રહ્યો હતો, ત્યારે 2 અજાણ્યા હુમલાખોરોએ અચાનક 5 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ જીવલેણ હુમલામાં ડ્રાઇવરને ગોળી વાગી હતી અને ટાઇગર શ્રોફ પણ ઈજાગ્રસ્ત થયો હતો. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારતા ખળભળાટ મચી ગયો છે.

આ ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટાઇગર શ્રોફ સાથે ફોન પર વાત કરીને ખબર-અંતર પૂછ્યા હતા. સોમવારે મીડિયા સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે ચેતવણી આપી હતી કે હુમલાખોરો ડરપોક છે અને દેશની બહારથી ઓપરેટ કરી રહ્યા છે. કોઈ પણ ગેંગને છોડવામાં નહીં આવે અને તેમના આકાઓ દુનિયાના ગમે તે ખૂણે છુપાયા હશે, મુંબઈ પોલીસ તેમને શોધીને સીધા કરી દેશે.

મુખ્યમંત્રીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે જે લોકો અગાઉ પોલીસ પાસે હત્યાઓ કરાવતા અને બદલી-પોસ્ટિંગમાં પૈસા ખાતા હતા, તેઓ જ આ મામલાને હાઇજેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ કોઈ પણ ગુનેગાર મહારાષ્ટ્રની અંદરથી ઓપરેટ કરતો નથી, તેથી અન્ય રાજ્યો અને કેન્દ્ર સરકારની મદદથી વિદેશથી ચાલતા આ નેટવર્કને ટ્રેક કરવામાં આવશે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શૂટર્સે હુમલા પહેલાં 45 મિનિટ સુધી વિસ્તારની વ્યવસ્થિત રેકી કરી હતી. ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ પુષ્પા પાર્કથી બાઇક લઈને અંધેરી પશ્ચિમ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. નવાઈની વાત એ છે કે પોલીસ બીટ ચોકીની નજીક જ બાઇક મૂકીને શૂટરો બિન્દાસ્ત ફરાર થઈ ગયા હતા.

આ કેસની ગંભીરતા જોતા તપાસ તાત્કાલિક મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. બીજી તરફ હુમલાખોરો ભાગીને ગુજરાતના સુરત શહેરમાં આશરો લઈ શકે છે તેવી મુંબઈ પોલીસની બાતમીના આધારે ગુજરાત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે અને સુરતમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

પોલીસ ચોકી પાસેથી જ શૂટરો ફરાર, સુરક્ષાના પોકળ દાવા!

મુંબઈમાં હાઈ-પ્રોફાઈલ સેલેબ્રિટીઓ પર સતત થઈ રહેલા હુમલાઓ કાયદો અને વ્યવસ્થાની પોલ ખોલી રહ્યા છે. શૂટરો 45 મિનિટ સુધી રેકી કરે છે, 5 રાઉન્ડ ફાયરિંગ કરે છે અને પોલીસ ચોકી પાસે જ બાઈક મૂકીને ગાયબ થઈ જાય છે! ઘટના બન્યા પછી નેતાઓ આકાઓને પાતાળમાંથી શોધી કાઢવાની મોટી વાતો કરે છે, પરંતુ સવાલ એ છે કે ગુનેગારોમાં પોલીસનો ડર કેમ ખતમ થઈ ગયો છે?