Loading Please Wait !!!
"રાજકોટમાં ગુરુ-શિષ્યનો સંબંધ શર્મસાર: ધો.10 માં જેની પાસે ભણ્યો તે શિક્ષિકાને લગ્નની જાળમાં ફસાવી અઢી વર્ષ દુષ્કર્મ ગુજાર્યું"

12 વર્ષ પછી સોશિયલ મીડિયા પર સંપર્ક કરી વિદેશ સ્થાયી થવાનું સપનું બતાવ્યું - 7 લાખ રૂપિયા પણ પડાવી લીધા

"તારા જેવી કેટલીય આવી ગઈ..." - નફ્ફટાઈની પરાકાષ્ઠા વટાવનાર ધ્રુવીલ દેસાઈ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

પીએફના નાણાં અને સોનું વેચાવી 7 લાખ ખંખેર્યા - ભોગ બનનાર શિક્ષિકાનો ન્યાય માટે ગાંધીગ્રામ પોલીસમાં આક્રોશ

રાજકોટમાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને લાંછન લગાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની એક ખાનગી શાળામાં અગાઉ ધોરણ 10 માં જે શિક્ષિકા પાસે અભ્યાસ કર્યો હતો, તે જ વિદ્યાર્થીએ 12 વર્ષ બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી શિક્ષિકાનો સંપર્ક કરી, લગ્નની લાલચ આપી સતત અઢી વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મવડી વિસ્તારમાં રહેતા ધ્રુવીલ પંકજભાઈ દેસાઈ નામના યુવાને જૂન 2024 માં તેની પૂર્વ શિક્ષિકાને ફેસબુક પર મેસેજ કર્યો હતો. શિક્ષિકા પતિથી છૂટાછેડા લઈને એકલા રહેતા હોવાનો લાભ ઉઠાવી ધ્રુવીલે તેમને લગ્ન કરી વિદેશ સ્થાયી થવાની લાલચ આપી હતી. તેણે શિક્ષિકાના ઘેર જઈને કહ્યું હતું કે, "હું સ્કૂલ ટાઈમથી જ તમને લાઈક કરું છું." આ મીઠી વાતોમાં આવી જઈ શિક્ષિકાએ તેની સાથે સંબંધ બાંધ્યા હતા. અઢી વર્ષ દરમિયાન તેઓ થાઈલેન્ડ અને ચાર જ્યોતિર્લિંગની યાત્રાએ પણ ગયા હતા.

જોકે, ધ્રુવીલનો ઈરાદો માત્ર શારીરિક શોષણ અને આર્થિક ફાયદો મેળવવાનો હતો. તેણે ધંધામાં ખોટ ગઈ હોવાનું કહી શિક્ષિકાના પીએફના નાણાં અને સોનાના દાગીના વેચાવી કુલ 7 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ દરમિયાન ધ્રુવીલે બીજી યુવતી સાથે સગાઈ કરી લીધી હોવા છતાં, તે છેક ડિસેમ્બર 2025 સુધી શિક્ષિકાને લગ્નના ખોટા વાયદા આપી ભોગવતો રહ્યો હતો. જ્યારે શિક્ષિકાએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે ધ્રુવીલે નફ્ફટાઈથી જવાબ આપ્યો હતો કે, "હું તને ઓળખતો નથી, તારા જેવી કેટલીય આવીને જતી રહી છે."

ભોગ બનનાર શિક્ષિકાએ ગાંધીગ્રામ પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, જાન્યુઆરી 2026 માં અરજી આપવા છતાં પોલીસે અઢી મહિના સુધી માત્ર તપાસના નામે ધક્કા ખવડાવ્યા હતા અને છેક હવે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે આરોપી ધ્રુવીલ દેસાઈ વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.