Loading Please Wait !!!
રાજકોટમાં પૂર્વ પતિનો આતંક: નંબર પ્લેટ વગરની થાર લઈને પત્નીના ઘરે પહોંચ્યો, આપી જાનથી મારી નાખવાની ધમકી

 

  • ‘સાથે રહે નહીતર પરિવારને ખતમ કરી નાખીશ’ કહી અલ્તાફ ખિયાણીએ મચાવ્યો હોબાળો; ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

  •  કાળી થાર ગાડીમાં આવેલા માથાભારે શખ્સની કરતૂત; પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ તેજ કરી

  •  નંબર પ્લેટ વગરની ગાડી સાથે સીનસપાટા કરતો આરોપી અલ્તાફ ખિયાણી ફરાર; પરિવારમાં ફફડાટ

    રાજકોટ: શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળના શીતલ પાર્ક વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં છૂટાછેડા લઈ ચૂકેલા એક પૂર્વ પતિએ પોતાની પત્ની પર બળજબરીથી સાથે રહેવાનું દબાણ કરી, તેના માતા-પિતા અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આરોપી અલ્તાફ ખિયાણી નંબર પ્લેટ વગરની કાળા રંગની થાર ગાડી લઈને મહિલાના ઘરે પહોંચ્યો હતો અને જાહેરમાં હોબાળો મચાવ્યો હતો.

    લગ્નના છ મહિનામાં જ તૂટ્યો સંબંધ પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં પ્રથમ પતિ સાથે છૂટાછેડા થયા બાદ તેણે ફેબ્રુઆરી 2025માં અલ્તાફ ખિયાણી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, આ લગ્ન લાંબો સમય ટક્યા નહીં અને અવારનવાર થતા ઝઘડાને કારણે માત્ર છ મહિનામાં જ બંનેએ કાયદેસર રીતે છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા બાદ મહિલા પોતાના પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી.

    થાર ગાડી સાથે મચાવ્યો આતંક ગઈકાલે સાંજે અંદાજે 5 વાગ્યાના સુમારે અલ્તાફ નંબર પ્લેટ વગરની કાળી થાર લઈને મહિલાના ઘર પાસે ઘસી આવ્યો હતો. મહિલાના પિતાએ તેને ત્યાં આવવાની ના પાડતા અલ્તાફ ઉશ્કેરાઈ ગયો હતો અને શેરી વચ્ચે જ બેફામ ગાળાગાળી કરવા લાગ્યો હતો. તેણે મહિલાને ધમકી આપતા કહ્યું હતું કે, "જો તું મારી સાથે પાછી રહેવા નહીં આવે, તો હું તને, તારા મા-બાપ અને તારા બાળકોને મારી નાખીશ."

    આરોપીએ થાર ગાડીના બોનેટ પર બેસીને સીનસપાટા પણ કર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે મહિલાનો ભાઈ સમજાવવા વચ્ચે પડ્યો ત્યારે તેની સાથે પણ આરોપીએ ઉદ્ધત વર્તન કર્યું હતું. આ મામલે પીડિત મહિલાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલ્તાફ બસીર ખિયાણી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે ચક્રો ગતિમાન કર્યા છે.