રાજકોટ જિલ્લામાં ચૂંટણીનો જંગ: 2600થી વધુ જવાનો અને ડ્રોન-બોડી વોર્ન કેમેરા સાથે પોલીસનો લોખંડી બંદોબસ્ત
-
165 બુથ અતિ સંવેદનશીલ જાહેર- રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સુરક્ષાનું એક્શન પ્લાન તૈયાર
-
અફવા ફેલાવનારાઓ સાવધાન- સોશિયલ મીડિયા પર પોલીસની ટીમનું સતત મોનિટરિંગ; શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર સજ્જ
-
નિર્ભય બનીને મતદાન કરો- જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરનો જનતાને વિશ્વાસ; 65 મોબાઈલ સેક્ટર દ્વારા પેટ્રોલિંગ શરૂ
રાજકોટ: રાજકોટ જિલ્લામાં આવતીકાલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા સુરક્ષાનો એવો ચક્રવ્યૂહ રચવામાં આવ્યો છે કે નાગરિકો કોઈપણ ભય વગર મતદાન કરી શકે. જિલ્લાના કુલ 1072 મતદાન બુથ પર આ વખતે આધુનિક ટેકનોલોજીના સથવારે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર, બંદોબસ્તમાં 2 ASP, 4 DYSP સહિત 2616 જેટલા સુરક્ષા જવાનો તૈનાત રહેશે. ખાસ કરીને 81 બિલ્ડિંગોના 165 બુથોને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આકાશમાંથી નજર રાખવા માટે 7 હાઈ-ટેક ડ્રોન તૈનાત કરાયા છે, જ્યારે જમીન પર 180 પોલીસ જવાનો બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ હશે, જેથી બુથ પરની પળેપળની હિલચાલનું રેકોર્ડિંગ થઈ શકે.
ચૂંટણી દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા તત્વો સામે પોલીસે પહેલેથી જ ‘સર્જિકલ સ્ટ્રાઈક’ શરૂ કરી દીધી હતી. એપ્રિલ મહિના દરમિયાન અત્યાર સુધીમાં 10 નામચીન શખ્સો સામે પાસા હેઠળ અને 21 શખ્સો સામે તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 8596 જેટલા માથાભારે શખ્સો સામે અટકાયતી પગલાં ભરીને તેમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. LCB, SOG અને ક્યુઆરટીની 8 સ્પેશિયલ સ્ટ્રાઇકિંગ ફોર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ પર પણ સાયબર ટીમ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. 65 જેટલી મોબાઈલ સેક્ટર વાન દ્વારા આજથી જ સમગ્ર જિલ્લામાં પેટ્રોલિંગ તેજ કરી દેવામાં આવ્યું છે. પોલીસ તંત્રએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આટલા ચુસ્ત આયોજન અને ટેકનોલોજીના ઉપયોગથી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે.