Loading Please Wait !!!
રાજકોટના આ 6 રસ્તાઓ છે ‘મોતનો પંજો’: 3 વર્ષમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા, ક્રિષ્ના વે-બ્રિજ સૌથી વધુ જોખમી

 

  • શહેર અને જિલ્લાના 6 બ્લેક સ્પોટ જાહેર; અયોધ્યા ચોક અને શાપર હાઈવે પર વાહન ચલાવતા સાવધાન!

  •  RTO અને પોલીસની જોઈન્ટ કમિટીનો સર્વે; અકસ્માતો ઘટાડવા રબ્બર સ્ટ્રીપ અને સેફ્ટી બોર્ડ લગાવવાની કામગીરી શરૂ

  •  મોરબી હાઈવે અને ગોંડલ રોડ પરના જોખમી પોઈન્ટ્સ આઈડેન્ટીફાય કરાયા; 500 મીટરના વિસ્તારમાં જ સર્જાય છે મોતનું તાંડવ

    રાજકોટ શહેર અને જિલ્લામાં વાહન ચલાવતા લોકો માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. રાજકોટ RTO, પોલીસ અને રોડ બનાવતી એજન્સીઓની જોઈન્ટ કમિટીએ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 6 ‘બ્લેક સ્પોટ’ આઈડેન્ટીફાય કર્યા છે. આ એવા રસ્તાઓ છે જ્યાં છેલ્લા 3 વર્ષમાં (2023-2025) 45 ગંભીર અકસ્માતો સર્જાયા છે અને 26 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

    કયા છે આ બ્લેક સ્પોટ? રાજકોટ RTO અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું કે, 500 મીટરનો એવો વિસ્તાર જ્યાં 5 થી વધુ ગંભીર અકસ્માત કે 10 થી વધુ મોત થયા હોય તેને બ્લેક સ્પોટ ગણવામાં આવે છે.

    • શહેર વિસ્તાર (સિટી):

      1. ગૌરીદડ ગામ રોડ: રાજકોટ-મોરબી હાઈવે (કુવાડવા પોલીસ સ્ટેશન હેઠળ).

      2. અયોધ્યા ચોક: 150 ફૂટ રિંગ રોડ (ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળ).

      3. ક્રિષ્ના વે બ્રિજ: સ્વાતિ પાર્ક મેઈન રોડ પાસે, રાજકોટ-ગોંડલ હાઈવે (આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળ).

    • ગ્રામ્ય વિસ્તાર (રૂરલ):

      1. કિશન પેટ્રોલ પંપ અને ખોડીયાર હોટેલ: રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે (શાપર પાસે).

      2. મારુતિ પેટ્રોલ પંપ: શાપર પોલીસ સ્ટેશન વિસ્તાર.

      3. શાપર પૂલ ઉતરતા: હાઈવે પરનો અત્યંત જોખમી વળાંક.

    તંત્ર દ્વારા લેવાતા પગલાં બ્લેક સ્પોટને દૂર કરવા માટે તંત્રએ બે પ્રકારની રણનીતિ અપનાવી છે. શોર્ટ ટર્મ મેઝરમાં રસ્તા પર રબ્બર સ્ટ્રીપ, ઝબકતી લાઈટો અને 'ભયજનક રોડ'ના ચેતવણી આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. જ્યારે લોંગ ટર્મ મેઝરમાં રસ્તાની ડિઝાઈનમાં ફેરફાર અને ઓવરબ્રિજ કે સર્વિસ રોડના સુધારાનો સમાવેશ થાય છે.

    સમગ્ર ગુજરાતમાં 2022 થી 2024 દરમિયાન 56 બ્લેક સ્પોટ નોંધાયા છે, ત્યારે રાજકોટના આ 6 વિસ્તારોમાં વાહનચાલકોએ સ્વયં શિસ્ત જાળવવી અત્યંત અનિવાર્ય છે. ખાસ કરીને ક્રિષ્ના વે બ્રિજ પર સૌથી વધુ જાનહાનિ નોંધાઈ હોવાથી ત્યાંથી પસાર થતી વખતે વિશેષ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.