Loading Please Wait !!!
મુંબઈ પોલીસના નામે બેંકના સિકયુરિટી ગાર્ડને 17 દિવસ `ડિજિટલ એરેસ્ટ' કરાયો

  • મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી 15 લાખના શેર ખોટમાં વેચાવીને 9 લાખ પડાવી લીધા
  • અજાણ્યા ઠગબાજોએ માતાને મારી નાખવાની અને મકાન સીલ કરાવાવની ધમકીઓ આપી ત્રાસ ગુજાર્યો

સિટી ન્યૂઝ@રાજકોટ : સાયબર અપરાધીઓએ હવે સામાન્ય શ્રમિક વર્ગને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને એચડીએફસી બેંકમાં સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ૫૦ વર્ષીય પ્રકાશભાઈ ચંદુભાઈ ચૌહાણને મુંબઈ પોલીસની ખોટી ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. સાયબર ગઠિયાઓએ તેમની પાસેથી કુલ ૯,૦૦,૦૦૦ રૂપિયા પડાવી લેતા સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે. 

૧ ફેબ્રુઆરીના રોજ ગાંધીગ્પ્રરામમાં ન્કાયુ મહાવીરનગરમાં રહેતા પ્રકાશભાઈ ચોહાણના મોબાઈલ પર  અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનથી 'સંદિપ' બોલે છે તેવી ઓળખ આપી હતી. તેણે ધમકાવતા કહ્યું કે તમારા નામે મની લોન્ડરિંગનો કેસ છે અને તમે નામચીન ગુનેગાર નરેશ ગોહિલ સાથે સંડોવાયેલા છો. તપાસના બહાને ગઠિયાઓએ તેમનું આધાર કાર્ડ મેળવ્યું હતું. 

પ્રકાશભાઈને ડરાવવા માટે 'રાજેશ સર' નામના વ્યક્તિ સાથે વીડિયો કોલ કરાવાયો અને તેમને ચોવીસ કલાક નજર હેઠળ રાખવામાં આવ્યા. આરોપીઓએ મકાન સીલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની પાસે રહેલા ૧૫ લાખના શેર વેચવા દબાણ કર્યું હતું. શેર વેચતા પ્રકાશભાઈને ૬ લાખનું નુકસાન ગયું હતું, છતાં બાકી બચેલી ૯ લાખની રકમ તપાસના નામે બેંક ટ્રાન્સફર કરાવી લીધી હતી. જ્યારે પ્રકાશભાઈએ આ વાત તેમના મિત્રને કરી ત્યારે તેમને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો અને તેમણે ૧૯૩૦ હેલ્પલાઈન પર ફરિયાદ કરી. હાલમાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે બેંક ખાતાધારકો અને મોબાઈલ નંબર ધારકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.