Loading Please Wait !!!
ભાવનગરમાં દલિત દંપતી પર જ્ઞાતિવાદનો હુમલો: કાળિયાબીડમાં વોકિંગ દરમિયાન દંપતીને ઢોર માર માર્યો

  • આ દરબારનો એરિયો છે’ કહી ધમકાવ્યા; પુષ્પજીતસિંહ જાડેજા સહિત પરિવારના 3 સભ્યો સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ
  • ચડ્ડા પહેરવા મુદ્દે તકરાર કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા; નીલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
  • જાનથી મારી નાખવાની ધમકી આપનાર પુષ્પજીતસિંહ, તેમના પત્ની અને પુત્ર મિત જાડેજા વિરુદ્ધ BNS હેઠળ કાર્યવાહી

ભાવનગર: શહેરના પોશ ગણાતા કાળિયાબીડ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં વોકિંગ કરવા નીકળેલા એક અનુસૂચિત જાતિના દંપતી પર ત્રણ શખ્સોએ હુમલો કરી, જ્ઞાતિવિષયક અપશબ્દો બોલી ગંભીર ધમકીઓ આપી હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકે નોંધાઈ છે. આ કેસમાં પોલીસે એક જ પરિવારના ત્રણ સભ્યો સામે એટ્રોસિટી એક્ટ અને BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચડ્ડા પહેરવા જેવી સામાન્ય બાબતે તકરાર ફરિયાદી પ્રગતિબેન શાહના જણાવ્યા મુજબ, ગત 16 એપ્રિલના રોજ રાત્રે તેઓ તેમના પતિ હિમાંશુભાઈ સાથે કાળિયાબીડના શાંતિનગર નાકા પાસે ફૂટપાથ પર બેઠા હતા. આ દરમિયાન પુષ્પજીતસિંહ જાડેજા, તેમના પત્ની અને પુત્ર મિત જાડેજા ત્યાં આવ્યા હતા અને "અહીં ચડ્ડા પહેરીને કેમ બેઠા છો?" તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. જ્યારે દંપતીએ પોતાની જ્ઞાતિ 'વણકર' હોવાનું જણાવ્યું, ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ જ્ઞાતિ પ્રત્યે અત્યંત અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા આરોપીઓએ હિમાંશુભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો અને એક શખ્સે સિમેન્ટનો બ્લોક મારવાનો પ્રયાસ કરતા તેમને નાકના ભાગે ઈજા પહોંચી હતી. સાથે રહેલી મહિલા આરોપીએ પ્રગતિબેનને નીચે પછાડી દઈ મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ "આ દરબારનો વિસ્તાર છે, અહીં ફરી દેખાયા તો જાનથી મારી નાખીશું" તેવી ધમકી પણ આપી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે ઈજાગ્રસ્ત દંપતી હોસ્પિટલ પહોંચ્યું, ત્યારે પણ આરોપીઓએ ત્યાં જઈને ધમકાવ્યા હતા.

નીલમબાગ પોલીસે આ મામલે પુષ્પજીતસિંહ પ્રવિણસિંહ જાડેજા અને તેમના પરિવાર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આ હુમલા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ.