Loading Please Wait !!!
નકલી ખાતર-દવાના વિક્રેતાઓ સામે તંત્રની લાલ આંખ: જૂનાગઢમાં 46 નમૂના નાપાસ જાહેર

 

  • જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા વર્ષ 2025-26 દરમિયાન કુલ 1371 નમૂનાઓ લેવાયા.

  • લેબોરેટરી તપાસમાં 29 ખાતર, 10 જંતુનાશક દવા અને 7 બિયારણના નમૂના નાપાસ જાહેર.

  • નબળી ગુણવત્તાની દવાઓના છંટકાવથી ખેડૂતોનું આર્થિક નુકસાન અને લોકસ્વાસ્થ્ય જોખમાયું.

    જૂનાગઢ જિલ્લામાં ખેતીના મુખ્ય આધારસ્તંભ ગણાતા ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. ખેડૂતો દ્વારા સતત કરવામાં આવતી ફરિયાદોને પગલે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વિભાગ દ્વારા લેવામાં આવેલા કુલ 1371 નમૂનાઓ પૈકી 46 નમૂના લેબોરેટરી તપાસમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે બજારમાં નકલી અને નબળી ગુણવત્તાના કૃષિ ઇનપુટ્સનું મોટું નેટવર્ક સક્રિય છે.

    વર્ષ 2025-26 ના ગુણવત્તા નિયંત્રણના આંકડા મુજબ, નાપાસ જાહેર થયેલા 46 નમૂનાઓમાં ખાતરના 29, જંતુનાશક દવાઓના 10 અને બિયારણના 7 નમૂનાઓનો સમાવેશ થાય છે. આ નબળી ગુણવત્તાને કારણે માત્ર ખેડૂતો આર્થિક રીતે પાયમાલ નથી થઈ રહ્યા, પરંતુ જમીનની ફળદ્રુપતા પણ જોખમાઈ રહી છે. ખેડૂત અગ્રણી મનસુખભાઈ પટોળીયાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "મોંઘા ભાવે ખરીદેલી દવા કે ખાતર જ્યારે નિષ્ફળ જાય છે, ત્યારે ખેડૂતોની આખી સીઝન નિષ્ફળ જાય છે. નબળી દવાઓનો છંટકાવ ખેત પેદાશો મારફતે મનુષ્યના શરીરમાં જઈ કેન્સર જેવા ગંભીર રોગો નોતરી રહ્યો છે."

    ખેતીવાડી વિભાગના મદદનીશ ખેતી નિયામક એસ. એન. ગધેસરીયાએ આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, જે પણ ઉત્પાદનો લેબોરેટરીમાં અપ્રમાણિત ઠર્યા છે, તેમના વેચાણ પર તુરંત જ 'સ્ટોપ સેલ'નો આદેશ આપવામાં આવ્યો છે. શંકાસ્પદ જથ્થો કોઈ પણ ખેડૂત સુધી ન પહોંચે તેની ખાતરી કરવામાં આવી છે. સંબંધિત વિક્રેતાઓ અને ઉત્પાદક કંપનીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને રાજ્ય કક્ષાએથી મંજૂરી મેળવ્યા બાદ તમામ જવાબદારો સામે ફોજદારી કોર્ટ કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

    નોંધનીય છે કે, ખાતરમાં ન્યૂટ્રિઅન્ટ્સની ઘટ, બિયારણમાં ઉગવાની ઓછી ક્ષમતા અને જંતુનાશક દવાઓમાં કન્ટેન્ટની ઓછી ટકાવારી જેવા કારણોસર નમૂનાઓ નાપાસ થતા હોય છે. ખેડૂતોની માંગ છે કે આવી કંપનીઓને માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે તેમને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવી જોઈએ અને તેમના લાયસન્સ રદ કરવા જોઈએ. જો કડક દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં જમીનની ફળદ્રુપતા અને ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળશે.

    તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી હાલ તો નકલી સામગ્રી વેચનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, ખેડૂતો હવે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ ભ્રષ્ટ ઉત્પાદકો સામે કાયદાકીય લડત અંજામ સુધી પહોંચે છે. વહીવટી તંત્રએ આ પ્રક્રિયા નિરંતર ચાલુ રાખવાની અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની ખાતરી આપી છે. શુદ્ધ બિયારણ અને પ્રમાણિત ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ અત્યારે કૃષિ જગતની સૌથી મોટી જરૂરિયાત બની રહી છે.