Loading Please Wait !!!
રાજકોટની ક્રાઈસ્ટ કોલેજનો વૈશ્વિક ડંકો: પર્યાવરણ જતનમાં મેળવ્યો સર્વોચ્ચ ‘પ્લેટિનમ રેન્કિંગ’નો દરજ્જો

 

  • સંપૂર્ણપણે ‘ઇકો-ફ્રેન્ડલી’ કેમ્પસ બની સંસ્થાએ રચ્યો ઇતિહાસ; ઉર્જા અને પાણી બચતમાં મેળવી સિદ્ધિ

  • વૈશ્વિક માપદંડો પર ખરું ઉતરી રાજકોટનું શિક્ષણ જગત ઝળક્યું; અન્ય સંસ્થાઓ માટે બન્યું પ્રેરણારૂપ

  • કેમ્પસ ડાયરેક્ટર ડો. ફાધર જોમોનના નેતૃત્વમાં પ્રકૃતિ જતનનું અભિયાન સફળ; સ્ટાફ અને મેનેજમેન્ટમાં હર્ષ

     

    રાજકોટ: રાજકોટ સ્થિત જાણીતી શૈક્ષણિક સંસ્થા ક્રાઈસ્ટ કોલેજ દ્વારા પર્યાવરણ સુરક્ષા અને ઉર્જા બચતના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. વૈશ્વિક કક્ષાના કડક માપદંડો પૂર્ણ કરીને આ કેમ્પસને ‘ગ્રીન કોલેજ’ તરીકે પ્રતિષ્ઠિત ‘પ્લેટિનમ રેન્કિંગ’ એનાયત કરવામાં આવ્યું છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે આ સર્વોચ્ચ ગ્રેડ માનવામાં આવે છે, જે સંસ્થાની પ્રકૃતિ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

    પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સની સફળતા આ ઐતિહાસિક સિદ્ધિ મેળવવા પાછળ કોલેજ દ્વારા છેલ્લા ઘણા સમયથી અમલમાં મૂકવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સ જવાબદાર છે. કેમ્પસમાં સોલર એનર્જી દ્વારા વીજળીની બચત, વૈજ્ઞાનિક પદ્ધતિથી કચરાનું વ્યવસ્થાપન (Waste Management) અને પાણીના પુનઃઉપયોગ તેમજ સંગ્રહ માટેના વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ્સને અત્યંત ગંભીરતાથી અમલી બનાવવામાં આવ્યા છે. આ પ્રયાસોને કારણે જ આજે આખું કેમ્પસ સંપૂર્ણપણે ‘ઇકો-ફ્રેન્ડલી’ બની શક્યું છે.

    ટીમ વર્ક અને સફળતાનું શ્રેય આ સફળતા પાછળ કેમ્પસ ડાયરેક્ટર ડો. ફાધર જોમોન થોમમનાના દૂરંદેશી પ્રયત્નો મહત્વપૂર્ણ રહ્યા છે. તેમણે કેમ્પસને પર્યાવરણમિત્ર બનાવવા માટે જરૂરી તમામ આધુનિક સુવિધાઓ વિકસાવી હતી. આ સિદ્ધિ બદલ તેમણે ફાધર સ્ટેનલી, પ્રિન્સિપાલઓ અને સમગ્ર સ્ટાફનો આભાર માનતા જણાવ્યું હતું કે, આ સન્માન ટીમ વર્કનું પરિણામ છે. સંસ્થા માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી વિકસે તેવા સંસ્કારોનું પણ સિંચન કરી રહી છે.

    પ્લેટિનમ રેન્કિંગ મળતા જ કોલેજ મેનેજમેન્ટ, સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. આ સિદ્ધિથી રાજકોટનું નામ વૈશ્વિક શૈક્ષણિક નકશા પર ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં વધુ મજબૂતીથી ઉભરી આવ્યું છે અને તે અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.