Loading Please Wait !!!
સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસના સ્ટાફની મનમાનીથી હોબાળો

 

  • ફ્લાઇટનો મૂળ સમય બદલીને સાંજે 6:38 કરવામાં આવ્યો હતો

  • એરપોર્ટ સ્ટાફની દલીલો વચ્ચે મુસાફરો સામે જ ગેટ બંધ કરાયો

  • કનેક્ટિંગ ફ્લાઇટ ખોરવાતા વિદેશી મહિલા ગેટ પર જ બેસીને રડી

સિટી ન્યુઝ @ સુરત 

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એરલાઇન્સ કંપનીઓની મુસાફરો પ્રત્યેની બેદરકારી અને તોછડા વર્તનનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં બોર્ડિંગ ગેટ હજી ખુલ્લો હોવા છતાં અને ફ્લાઇટ ઉપડવામાં સમય બાકી હોવા છતાં એક વિદેશી મહિલા સહિત ત્રણ મુસાફરોને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા, જેના કારણે એરપોર્ટ પર ભારે હોબાળો મચી ગયો હતો.

ભોગ બનનાર મુસાફર તરુણ મિશ્રાએ સમગ્ર ઘટના વર્ણવતા જણાવ્યું હતું કે તેમની ફ્લાઇટનો મૂળ સમય બપોરે 3:30 વાગ્યાનો હતો, જે કંપની દ્વારા બદલીને સાંજે 6:38 કરવામાં આવ્યો હતો. તેઓ સમયસર એરપોર્ટ પહોંચીને તમામ પ્રક્રિયા પૂરી કરીને આશરે 6:15 વાગ્યે ફાઇનલ બોર્ડિંગ ગેટ પાસે પહોંચ્યા હતા, પરંતુ સ્ટાફ તરફથી કોઈ સહકાર આપવામાં આવ્યો નહોતો અને કોઈ એનાઉન્સમેન્ટ પણ કરાઈ નહોતી.

વિદેશી મહિલાનું આગળનું કનેક્ટિંગ શિડ્યુલ ખોરવાઈ જતાં તે એરપોર્ટ પર રડી પડી હતી, તેમ છતાં સ્ટાફે અને મેનેજરે સહાનુભૂતિ દાખવવાને બદલે મુસાફરો સાથે આશરે 15 મિનિટ સુધી તોછડાઈભરી દલીલો કરી હતી. જ્યારે આ માથાકૂટ ચાલી રહી હતી ત્યારે ફ્લાઇટનો ગેટ ખુલ્લો જ હતો, છતાં દલીલો પૂરી કર્યા બાદ મેનેજરે મુસાફરોની નજર સામે જ ગેટ બંધ કરી દીધો હતો અને બોર્ડિંગ કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

આ ઘટનાથી રોષે ભરાયેલા મુસાફરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો અહીં કોઈ વીઆઇપી કે વગદાર વ્યક્તિ હોત તો તેના માટે આખી ફ્લાઇટ રોકી લેવામાં આવત, પરંતુ સામાન્ય મુસાફર માટે સમય હોવા છતાં હેરાનગતિ કરવામાં આવી છે. બેંગ્લોરમાં મહત્વના કાર્યક્રમમાં હાજરી આપવાની હોવાથી તરુણભાઈએ મજબૂર થઈને તાત્કાલિક ટેક્સી ભાડે કરી રાતોરાત અમદાવાદ જવું પડ્યું હતું અને ત્યાંથી સવારે ફ્લાઇટ પકડીને તેઓ બેંગ્લોર પહોંચ્યા હતા.

આ અસહકારી વલણ સામે અવાજ ઉઠાવવા માટે સાથી મુસાફર વિકાસ દ્વારા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો, જેને ટૂંક સમયમાં જ 8 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો એરલાઇન્સની આ મનમાની સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

એવિએશન સેક્ટરમાં ગ્રાહક સેવાના સવાલો

એરલાઇન્સ કંપનીઓ દ્વારા મુસાફરો સાથે કરવામાં આવતો આ પ્રકારનો અસંવેદનશીલ વ્યવહાર એવિએશન સેક્ટરની પારદર્શિતા અને ગ્રાહક સેવાના ધોરણો સામે ગંભીર સવાલો ખડા કરે છે.