Loading Please Wait !!!
રામલીલા મેદાનની રેલી દિવાળી પહેલા મુલત્વી રાખવા માંગ!

 

  • વ્યાપાર અને ધંધાને નુકસાન અટકાવવા રાહુલ ગાંધીને પત્ર!

  • તહેવારોના દિવસોમાં રેલી યોજવાથી કરોડોનું આર્થિક નુકસાન થશે!

  • ચાંદની ચોક અને સદર બજારના વ્યાપારીઓની ચિંતા વધી!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

મુંબઈ ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારની બરતરફીની માંગ સાથે આગામી 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી કોંગ્રેસ અને 'ઇન્ડિયા' ગઠબંધનની રેલીને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં વેપારી સંગઠને રેલી મુલત્વી રાખવાની માંગ કરી છે.

દિલ્હીની ચેમ્બર્સ ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (CTI) દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અપીલ કરવામાં આવી છે કે તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને આ રાજકીય રેલી દિવાળી બાદ આશરે 10 નવેમ્બર આસપાસ યોજવામાં આવે.

CTI ના પ્રમુખ વ્રજેશ ગોયલે પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે રામલીલા મેદાનની આસપાસ ચાંદની ચોક, સદર બજાર, ચાવડી બજાર અને ખારી બાબલી જેવા 20 થી વધુ મોટા જથ્થાબંધ તથા છૂટક બજારો આવેલા છે, જ્યાં આ દિવસોમાં રોજના લાખો ગ્રાહકોની ભારે ભીડ રહે છે.

જો આ વ્યસ્ત તહેવારોના સમયમાં ભવ્ય રેલી યોજવામાં આવે તો મેટ્રો સેવાઓ પ્રભાવિત થવા અને મુખ્ય માર્ગો પર બેરિકેડ લાગવાથી વ્યાપાર-ધંધાને કરોડો રૂપિયાનું માતબર આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.

હાલમાં રાહુલ ગાંધી વિદેશમાં હોવાથી કોંગ્રેસ પક્ષ તરફથી વેપારીઓની આ માંગણી અને પત્ર અંગે કેવો સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવે છે તેના પર સમગ્ર રાજકીય અને વેપારી જગતની નજર ટકેલી છે.

તહેવારોની સિઝન અને રાજકીય રેલીઓ વચ્ચેનો ટકરાવ

તહેવારોના પવિત્ર અને વ્યસ્ત દિવસોમાં વ્યાપારી હબ ગણાતા વિસ્તારોમાં રાજકીય રેલીઓ યોજાવાથી સામાન્ય નાગરિકો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારી 'ઇન્ડિયા' ગઠબંધનની રેલીને દિવાળી બાદ ખસેડવાની CTI ની માંગ વ્યાપારી જગતના હિતોનું રક્ષણ કરવા માટે એક વ્યાજબી રજૂઆત છે. રાજકીય પક્ષોએ લોકતાંત્રિક અધિકારોની સાથેસાથે તહેવારોના સમયે સામાન્ય પ્રજા અને અર્થતંત્રને પડતી અડચણોને ધ્યાનમાં રાખીને સંયમ અને વ્યવહારુ અભિગમ અપનાવવો અત્યંત આવશ્યક છે.