"શનિવારે રાજકોટના મહેમાન બનશે મુખ્યમંત્રી: રૂ. 543 કરોડના નવા કામો અને રૂ. 88 કરોડના પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ જનતાને અર્પણ કરશે"
- આચારસંહિતા લાગુ થાય તે પહેલાં મનપાની તડામાર તૈયારી - પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાશે ભવ્ય કાર્યક્રમ
- રૈયાધાર અને ઘંટેશ્વરને મળશે નવા STP ની સુવિધા - 24 સમિતિઓ અને 100 થી વધુ કર્મચારીઓ તૈયારીમાં જોતરાયા
- રેલનગરમાં 139 લાખ લિટરનો GSR તૈયાર - શહેરના પશ્ચિમ અને નવા વિસ્તારોની ડ્રેનેજ-પાણીની સમસ્યાનો આવશે અંત
રાજકોટ સહિત રાજ્યની મહાનગરપાલિકાઓમાં આગામી સમયમાં ચૂંટણીના પડઘમ વાગવાના છે ત્યારે શહેરના વિકાસની ગતિને વેગ આપવા માટે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવી રહ્યા છે. મનપામાં હાલ ચૂંટાયેલી પાંખ ન હોવાથી વહીવટદારો દ્વારા વિકાસકામોને આખરી ઓપ અપાયો છે. આગામી 28 માર્ચે મુખ્યમંત્રી રૂ. 632 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ રાજકોટવાસીઓને આપશે.
પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ભવ્ય કાર્યક્રમ રૈયા રોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે આ મેગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મનપા તંત્ર દ્વારા આ કાર્યક્રમ માટે જુદી-જુદી 24 સમિતિઓ બનાવી 100 થી વધુ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ રાજકોટ અને નવા ભળેલા વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની સુવિધા સુધારવા માટે કરોડોના ખર્ચે બનેલા પ્લાન્ટ્સ હવે જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે.
વોટર મેનેજમેન્ટમાં રાજકોટ બનશે વધુ સક્ષમ મુખ્યમંત્રીના હસ્તે જે રૂ. 88 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થવાનું છે તેમાં રૈયાધાર અને ઘંટેશ્વરના બે નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) મુખ્ય છે. આ પ્લાન્ટ્સ કાર્યરત થવાથી શહેરમાં ગંદા પાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં મોટો વધારો થશે. આ ઉપરાંત રેલનગર વિસ્તારમાં પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલ 139 લાખ લિટરની ક્ષમતાનો ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોઇર (GSR) પણ જનતાને અર્પણ કરવામાં આવશે.
ચૂંટણી લક્ષી તૈયારી? લોકાર્પણની સાથે સાથે રૂ. 543 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત પણ થવાનું છે. જેમાં રોડ-રસ્તાના નવીનીકરણ અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનો સમાવેશ થાય છે. આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં આટલી મોટી રકમના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવું એ રાજકીય દ્રષ્ટિએ પણ ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં કોઈ ક્ષતિ ન રહે તે માટે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર દ્વારા પણ સુરક્ષા અને વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી રહી છે.