રાજકોટમાં વિકાસનો મહાકુંભ: આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલ ₹632 કરોડના 44 પ્રોજેક્ટ્સની આપશે ભેટ!
- જંગલેશ્વરમાં જેસીબી ફેરવ્યા બાદ હવે બનશે આધુનિક રોડ - સ્લેબ કલ્વર્ટ માટે ₹1 કરોડનો ખર્ચ
- પાવર ગુલ થશે તો પણ ડ્રાઈવિંગ ટેસ્ટ અટકશે નહીં - 17 આધુનિક કેમેરા રાખશે નજર
- જંગલેશ્વરમાં 1.25 કિમીનો રસ્તો થશે ચકાચક - વોંકળા પર સ્લેબ કલ્વર્ટ બનાવી ટ્રાફિક સમસ્યા ઉકેલાશે
સ્માર્ટ સિટી રાજકોટના વિકાસમાં આવતીકાલે વધુ એક સોનેરી પાનું ઉમેરાવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે રાજકોટની મુલાકાતે છે, જ્યાં તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે શહેરને અબજો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપશે. આ મુલાકાત દરમિયાન કુલ 44 વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે રાજકોટની કાયાપલટ કરનારા સાબિત થશે.
જંગલેશ્વરમાં હવે રસ્તાની કાયાપલટ થોડા સમય પહેલા જંગલેશ્વર વિસ્તારમાં 1500 જેટલા ગેરકાયદેસર બાંધકામો પર મનપાએ બુલડોઝર ફેરવી દીધું હતું. હવે એ ખુલ્લી થયેલી જમીન પર 1.25 કિલોમીટર લાંબો રસ્તો બનાવવાનું કામ શરૂ થશે. આ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે ₹1 કરોડના ખર્ચે સ્લેબ કલ્વર્ટ બનાવવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે થશે.
હાઈટેક RTO અને સ્માર્ટ ડ્રાઈવિંગ ટ્રેક રાજકોટવાસીઓ માટે સૌથી મોટી રાહત નવી RTO કચેરીના રૂપમાં મળશે. ₹9.78 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ આધુનિક બિલ્ડિંગમાં વાહન નોંધણી અને લાયસન્સ જેવી સેવાઓ માટે અલગ વિભાગો બનાવાયા છે. તેની સાથે જ ₹81 લાખના ખર્ચે તૈયાર થયેલો નવો ટેસ્ટ ટ્રેક પણ ખુલ્લો મુકાશે. આ ટ્રેકની વિશેષતા એ છે કે તેમાં 17 આધુનિક કેમેરા અને RFID સેન્સર લગાવવામાં આવ્યા છે, જેનાથી ડ્રાઈવિંગ ટેસ્ટની પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બનશે. પાવર બેકઅપની સુવિધા હોવાથી વીજળી ન હોવા છતાં ટેસ્ટ ચાલુ રાખી શકાશે.
શહેરભરમાં વિકાસનો વ્યાપ મનપા દ્વારા પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વોટર મેનેજમેન્ટ, ડ્રેનેજ, બાંધકામ અને રોશની વિભાગના અનેક પ્રોજેક્ટ્સને લીલી ઝંડી અપાશે. જેમાં ₹88.25 કરોડના પાણી પુરવઠાના કામોનું લોકાર્પણ અને ₹543.89 કરોડના નવા 40 કામોનું ખાતમુહૂર્ત સામેલ છે. ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રીના આ પ્રવાસે શહેરના રાજકારણમાં અને વિકાસમાં નવો ઉત્સાહ જગાવ્યો છે.