રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર, ડોગ-બોમ્બ સ્ક્વોડનું સર્ચ ઓપરેશન શરૂ!
- ઈમેલ દ્વારા મળેલી નનામી ધમકીથી વકીલો અને અસીલોમાં ફફડાટ - સમગ્ર કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ સીલ કરી સઘન ચેકિંગ - સાયબર ક્રાઈમની ટીમ ધમકી આપનારના 'સોર્સ' ને ટ્રેસ કરવા કામે લાગી
- ખૂણેખૂણાની તપાસ કરતી ડોગ સ્ક્વોડ - કોર્ટ સ્ટાફ અને અસીલોને સલામત રીતે બહાર ખસેડાયા
રંગીલા રાજકોટના ન્યાયમંદિર એટલે કે રાજકોટ કોર્ટ બિલ્ડિંગને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ છે. એક નનામી ઈમેલ દ્વારા મળેલી આ ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોર્ટ પરિસરમાં વિસ્ફોટકો પ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ સમાચાર મળતાની સાથે જ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓનો કાફલો કોર્ટ પહોંચી ગયો હતો.
ડોગ સ્ક્વોડ અને BDDS એક્શનમાં ધમકીભર્યો મેઈલ મળ્યાના ગણતરીની મિનિટોમાં જ પોલીસે કોર્ટ બિલ્ડિંગના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બંધ કરી દીધા હતા. વકીલો, કોર્ટ સ્ટાફ અને અસીલોને તાત્કાલિક બિલ્ડિંગની બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના પાર્કિંગ, લિફ્ટ, વકીલ ચેમ્બર્સ અને વિવિધ રૂમમાં ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે.
સાયબર ક્રાઈમની ટેકનિકલ તપાસ ધમકી આપનાર શખ્સ કોણ છે અને તેનો હેતુ શું છે તે જાણવા માટે સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ છે. જે આઈપી (IP) એડ્રેસ પરથી મેઈલ મોકલવામાં આવ્યો છે તેને ટ્રેસ કરવાની કામગીરી ચાલી રહી છે. અગાઉ પણ અનેક શાળાઓ અને એરપોર્ટને આવી ખોટી (Hoax) ધમકીઓ મળી ચુકી છે, ત્યારે પોલીસ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને તપાસ કરી રહી છે. હાલમાં કોર્ટની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે અને સમગ્ર સંકુલમાં પોલીસનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે.