Loading Please Wait !!!
ગુજરાતની 4 RTO કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી: રાજકોટ-અમદાવાદમાં હજારો અરજદારોના ટેસ્ટ રદ!

  • ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકો અટવાયા, આવતીકાલની એપોઇન્ટમેન્ટ અપાઈ - સાયબર સેલે ધમકીભર્યા ઇમેઇલના મૂળ શોધવા તપાસ તેજ કરી
  • સુભાષબ્રિજ RTO વેબસાઇટ પર મળી ધમકી - સુરત DCP એ શાંતિ જાળવવા કરી અપીલ, કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી
  • વડોદરા અને સુરતમાં પણ કચેરીઓ ઇવેક્યુએટ કરાવાઈ - હાઈકોર્ટ અને મેટ્રોપોલિટન કોર્ટ બાદ હવે RTO નિશાના પર?

ગુજરાતમાં જાહેર સંસ્થાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વહેલી સવારે રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાની RTO કચેરીઓને એકસાથે નિશાન બનાવી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યના પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અમદાવાદ સુભાષબ્રિજ RTO ની વેબસાઇટ પર "બપોરે ૧૨.૫૦ કલાકે ૧૩ બોમ્બ ફાટશે" તેવી ગંભીર ધમકી મળ્યા બાદ તમામ શહેરોની RTO કચેરીઓને તાત્કાલિક ખાલી કરાવવાની ફરજ પડી હતી.

રાજકોટમાં અચાનક RTO કચેરી ખાલી કરાવવાના આદેશથી અરજદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રેક ટેસ્ટ (Driving Test) આપવા માટે આવેલા હજારો લોકોને પોલીસ દ્વારા પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમોએ RTO ની અલગ-અલગ શાખાઓ અને કેમ્પસના ખૂણેખૂણામાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. સાવચેતીના ભાગરૂપે આજે જેમના ટેસ્ટ હતા તે તમામ અરજદારોને આવતીકાલની એપોઇન્ટમેન્ટ આપીને પરત મોકલી દેવાયા છે. કલાકો સુધી ચાલેલા આ સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

સુરતમાં DCP લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, કેમ્પસને ઇવેક્યુએટ કરાવી એન્ટી સેબોટેજ ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં કામગીરી રાબેતા મુજબ શરૂ કરાશે. સુરત સાયબર સેલની ટીમ અત્યારે એ તપાસ કરી રહી છે કે આ ઇમેઇલ કે મેસેજ ક્યાંથી અને કોણે મોકલ્યો છે. વડોદરામાં પણ આ ધમકીને પગલે અરજદારો બેથી ત્રણ કલાક સુધી કચેરીની બહાર અટવાયેલા જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે, માર્ચ ૨૦૨૬ ના મહિનામાં જ અમદાવાદની હાઇકોર્ટ, મેટ્રોપોલિટન કોર્ટ અને નવરંગપુરાની ગ્રામ્ય કોર્ટને પણ આ પ્રકારે ઇમેઇલ મારફતે ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. વારંવાર મળી રહેલી આ 'હોક્સ કોલ' (ખોટી ધમકી) પાછળ કોઈ અસામાજિક તત્વો કે વિદેશી નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ તે દિશામાં રાજ્યની ગુપ્તચર એજન્સીઓ તપાસ કરી રહી છે. હાલમાં ચારેય શહેરોની RTO કચેરીઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.