Loading Please Wait !!!
શિક્ષણ જગતમાં મોટા સમાચાર: ભાવનગરમાં 2 વર્ષ બાદ 600થી વધુ વિદ્યાસહાયકોની થશે ભરતી

 

  • ભાવનગર જિલ્લાની ધોરણ 1 થી 5ની સરકારી શાળાઓમાં 2 વર્ષના લાંબા અંતરાલ બાદ ભરતી પ્રક્રિયા શરૂ.

  • જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં અંદાજે 600થી વધુ વિદ્યાસહાયકોની ભરતી કરાશે.

  • ટેટ-1 પાસ ઉમેદવારોએ તા.15 થી 24 એપ્રિલ દરમિયાન સિદસર ડાયટ ભવન ખાતે ફોર્મ જમા કરાવવાના રહેશે.

    ભાવનગર જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી અટકેલી ભરતી પ્રક્રિયાનો અંત આવ્યો છે અને ધોરણ 1 થી 5ની શાળાઓમાં વિદ્યાસહાયકોની નવી ભરતી જાહેર કરવામાં આવી છે. અંદાજે 600થી વધુ જગ્યાઓ પર થનારી આ ભરતીને પગલે ટેટ-1 પાસ કરીને બેઠેલા હજારો બેરોજગાર ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

    વર્ષ 2023ની ભરતી બાદ ટેટ-ટાટ પરીક્ષાનું માળખું બદલાયું હતું, જેના કારણે લાંબા સમય સુધી નવી ભરતી પ્રક્રિયા હાથ ધરી શકાઈ નહોતી. હવે ટેટ-1ના ફ્રેશ ઉમેદવારો માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, હવે ઉમેદવારોએ પોતાના ફોર્મની હાર્ડ કોપી એટલે કે ફિઝિકલ ફોર્મ જમા કરાવવાના રહેશે. આ માટે તંત્ર દ્વારા ખાસ સમયપત્રક અને કેન્દ્રની જાહેરાત કરવામાં આવી છે.

    ઉમેદવારોએ પોતાની ઓફલાઇન અરજીની નકલ તા. 15 એપ્રિલથી 24 એપ્રિલ સુધીમાં જમા કરાવવાની રહેશે. ફોર્મ સ્વીકારવા માટે સિદસર ખાતે આવેલા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) ને મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાય સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી આ કેન્દ્ર પર ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલશે. ભાવનગર જિલ્લામાં અંદાજે 600થી વધુ શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે, જે આ ભરતીથી પૂર્ણ થશે.

    ભરતી પ્રક્રિયાની રૂપરેખા મુજબ, 24 એપ્રિલ સુધીમાં તમામ ફિઝિકલ ફોર્મ સ્વીકાર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા જનરલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ અને આખરે ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. મેરિટમાં સ્થાન મેળવનારા ઉમેદવારોને જિલ્લા પસંદગી અને ત્યારબાદ શાળા પસંદગીની તક આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા અત્યંત પારદર્શક રીતે થાય તે માટે શિક્ષણ વિભાગ સતર્ક જોવા મળી રહ્યું છે.

    શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભરતી પ્રક્રિયા એટલી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે કે જેથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સુધીમાં તમામ ઉમેદવારોને તેમની પસંદગીની શાળાઓમાં નિમણૂક પત્ર આપી દેવામાં આવે. જો આ આયોજન મુજબ કામગીરી થશે, તો જૂન મહિનામાં શાળાઓ ખૂલતાની સાથે જ પ્રાથમિક શાળાઓને નવા શિક્ષકો મળી જશે, જેનાથી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં પડતી રુકાવટ દૂર થશે અને શિક્ષણનું સ્તર વધુ સુધરશે.