Loading Please Wait !!!
ભાવનગર મહાનગરપાલિકા જંગ: 13 વોર્ડની 52 બેઠકો માટે ફોર્મ ચકાસણી પૂર્ણ, ભાજપ-કોંગ્રેસ આમને-સામને

 

  • ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો માટે કલેક્ટર કચેરીમાં ફોર્મ ચકાસણીની કાર્યવાહી પૂર્ણ

  • 13 વોર્ડમાં કુલ 389 ફોર્મ ભરાયા હતા, જેમાંથી હાલ 228 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે

  • મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે, પણ AAP અને અપક્ષો પડકાર ઉભો કરશે

ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને શહેરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટી અને મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોએ પણ મેદાનમાં ઝંપલાવતા મુકાબલો રસપ્રદ અને ત્રિપાંખિયો બનવાની પૂરેપૂરી શક્યતા છે. આજરોજ વહીવટી તંત્ર દ્વારા ઉમેદવારી ફોર્મની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જુદા-જુદા વોર્ડના ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ ચકાસણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ પ્રક્રિયા દરમિયાન ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, 13 વોર્ડમાં કુલ 389 ફોર્મ ભરાયા હતા, જેમાંથી ટેકનિકલ કારણો અને ચકાસણીના અંતે હાલ 228 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં યથાવત છે. હવે સૌની નજર 15 એપ્રિલ પર છે, જે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે.

રાજકીય પંડિતોનું માનવું છે કે 15 એપ્રિલના રોજ અનેક ડમી ઉમેદવારો અને નારાજ થઈને ફોર્મ ભરનારા નેતાઓ પોતાના ફોર્મ પરત ખેંચી શકે છે. ત્યારબાદ જ ચૂંટણી જંગનું અસલી અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે. ભાજપ પોતાની સત્તા જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસ પરિવર્તનના મુદ્દા સાથે જનતા વચ્ચે જઈ રહી છે. આમ આદમી પાર્ટીની હાજરીને કારણે આ વખતે મતોનું વિભાજન કોને ફળશે તે જોવું રસપ્રદ રહેશે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ, ભાવનગર મહાનગરપાલિકા માટે 26 એપ્રિલ ને રવિવારના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ દિવસે ભાવનગરના મતદારો આગામી પાંચ વર્ષ માટે શહેરનો વહીવટ કોના હાથમાં સોંપવો તેનો ફેંસલો કરશે. વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મતદાન બાદ માત્ર બે જ દિવસમાં એટલે કે 28 એપ્રિલના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. 15 એપ્રિલ પછી પ્રચાર અભિયાન ચરમસીમાએ પહોંચશે, જેમાં દિગ્ગજ નેતાઓ ભાવનગરમાં સભાઓ અને રોડ શો ગજવતા જોવા મળશે. હાલ તો ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થતા જ ઉમેદવારોએ પોતપોતાના વોર્ડમાં મતદારોને રીઝવવા માટે સોશિયલ મીડિયા અને જનસંપર્ક માધ્યમથી તૈયારીઓ તેજ કરી દીધી છે.